શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (01:17 IST)

બર્થડે સ્પેશ્યલ - સુશાંતના સપના જેમાંથી કેટલાક રહી ગયા અધૂરા...

બોલીવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત 14 જૂને પોતાના મુંબઈ ખાતેના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમના મૃત્યુને લઈને ઘણો વિવાદ ચાલ્યો હતો.
 
આજે તેમનો જન્મદિવસ છે ત્યારે આપણે તેમના 50 સપનાંની યાદી વિશે વાત કરીશું, જે તેમણે જીવનમાં પૂર્ણ કરવાનું વિચાર્યું હતું.
 
આ સપનાં વિવિધતાથી ભરેલાં હતાં. જેમાં સ્વામી વિવેકાનંદ પર ડૉક્યુમેન્ટ્રી બનાવવી, ભારતીય સૈન્યમાં વિદ્યાર્થીઓ જોડાય તે માટેના પ્રયત્નો કરવા, અવકાશવિજ્ઞાનમાં સંશોધન કરવું, ફિઝિક્સને લગતા પ્રયોગો કરવા, રમતો શીખવી જેવાં અનેક કામો તેઓ કરવા માગતા હતા.
 
જેમાંથી કેટલાંક પૂર્ણ થયાં હતાં, જ્યારે કેટલાંક અધૂરાં રહ્યાં હતાં.
 
સુશાંતસિંહ રાજપૂતે ટ્વિટર પર લખ્યું હતું કે મારાં 50 સપનાં અને હજુ બીજા હું ગણી રહ્યો છું. તેમનું પહેલું સપનું હતું કે વિમાન કેવી રીતે ચલાવી શકાય તે શીખવું. જે તેમણે પૂર્ણ કર્યું હતું.

 
બીજું સપનું આયર્નમૅન ટ્રાયથલૉન માટે તૈયાર થવું, જેની શરૂઆત કરી હતી અને વીડિયો પણ ટ્વીટ કર્યો હતો.
 
તેમણે લખ્યું હતું કે ડ્રીમ 2/50 આયર્નમૅન ટ્રાયથલૉનમાં ભાગ લેવો. હાલના વર્કઆઉટનો કાર્યક્રમ જલદી આવશે. #livingmydreams #lovingmydreams
 
સુશાંતસિંહ રાજપૂતનું ત્રીજું સપનું ડાબા હાથે ક્રિકેટ મૅચ રમવાનું હતું. જેનો વીડિયો પણ મૂક્યો હતો.
 
આ ઉપરાંત ચૅમ્પિયનની સાથે ટૅનિસ રમવું, પૉકર ચૅમ્પિયન સાથે પૉકર, છ મહિનામાં છ ઍૅબ્સ બનાવવા, યોગ શીખવા, સર્ફિંગ કેવી રીતે કરી શકાય તે શીખ્યા હતા.
 
ઉપરાંત પુશઅપ દરમિયાન ચાર તાળી પાડી શકીએ એ પ્રકારના પુશઅપ કરવા જેવા સપનાં પણ આ યાદીમાં સામેલ છે.
 
જંગલમાં એક દિવસ પસાર કરવો બંને હાથે તીરંદાજી કરવી એ તેમનો ગોલ હતો, જે તેમણે પૂર્ણ કર્યો હતો.
 
વિજ્ઞાનના પ્રયોગ
 
સુશાંતસિંહ રાજપૂતને વિજ્ઞાનમાં ઊંડો રસ હતો, જેના કારણે વિજ્ઞાનના અનેક પ્રયોગ કરવા અને વૈજ્ઞાનિક સંશોધન કરતી સંસ્થાઓની મુલાકાત લેવા તેઓ માગતા હતા.
 
તેમનાં 50 સપનાંમાંથી એક સપનું યુરોપિયન યુનિયનની ન્યુક્લિયર લૅબ સર્ન (CERN)ની મુલાકાત લેવાનું હતું. તેમણે 25 સપ્ટેમ્બરે એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે સર્ન ખાતે આવેલા ધ લાર્જ હાર્ડોન કૉલ્લિડર ખાતે દિવસ પસાર કર્યો હતો.
 
આ પછી તેમણે 15 ઑક્ટોબર, 2019એ સર્નની મુલાકાતનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું હતું કે એ જગ્યા જ્યાં "WWW"ની શોધ થઈ હતી. જ્યાં "ગૉડ પાર્ટિકલ"ની શોધી થઈ હતી.
 
તેમણે સર્નનો આભાર પણ માન્યો હતો.
 
આ ઉપરાંત તેઓ મોર્સ કોડ શીખવા માગતા હતા. મોર્સ કોડ ટેલિકૉમ્યુનિકેશનમાં માહિતીને એનકોડ કરીને મોકલવા વાપરવામાં આવતી હતી. ટેલિગ્રાફ મોકલવા આનો ઉપયોગ થતો હતો.
 
મૉડર્ન ફિઝિક્સના ડબલ સ્લીટ અને સિમેટિકનો પ્રયોગ કરવા માગતા હતા. તેમણે સિમેટિકનો પ્રયોગ પણ કર્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સપૉન્સિયલ ટૅકનૉલૉજીમાં કામ કરવા માગતા હતા.
 
સુશાંતસિંહ અમેરિકામાં આવેલી લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વૅવ ઑબ્સર્વેટરી(LIGO)ની મુલાકાત લેવા માગતા હતા અને રેસ્નિક-હૅલ્લિડે ફિઝિક્સ પુસ્તક વાંચવા માગતા હતા.
 
નાસાના વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા સુશાંતસિંહ રાજપૂત
 
સુશાંતસિંહ રાજપૂત નાસાના વર્કશોપમાં ફરીથી ભાગ લેવા માગતા હતા. તેમને અવકાશ વિજ્ઞાનમાં અદ્દભુત રસ હતો. તેમણે અનેક ચંદ્રની સપાટીના ફોટો પણ ટ્વીટ કર્યા છે.
 
તેમનું સપનું અઠવાડિયા સુધી ચંદ્ર, મંગળ, ગુરુ અને શનિના વિવિધ માર્ગનો ચાર્ટ તૈયાર કરવા હતા. તેમને વેદિક ઍસ્ટ્રોલૉજી અને પોલિનેશિયન ઍસ્ટ્રોનોમીનો અભ્યાસ કરવો હતો. આ ઉપરાંત પાવરફૂલ ટેલિસ્કૉપની મદદથી એન્ડ્રોમેડા ગેલેક્સને શોધવી હતી.
 
100 બાળકોને ઇસરોમાં મોકલવાનું સપનું
 
સુશાંતસિંહ રાજપૂતે ભારતનાં બાળકોનું શિક્ષણ સુધરે અને અવકાશવિજ્ઞાનમાં બાળકો રૂચિ લે તે માટે પણ કામ કરવાનો ગોલ બનાવ્યો હતો.
 
બાળકો સ્પેસ વિશે શીખે તેના માટે સો બાળકોને ઇસરો અને નાસાના વર્કશોપમાં મોકલવા માગતા હતા.
 
આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને કોડિંગ, મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, બાળકોને ડાન્સ, વિદ્યાર્થીઓને ભારતીય સંરક્ષણ દળોમાં જોડાય તે માટે કામ કરવા માગતા હતા.
 
સુશાંતસિંહ રાજપૂત તેમને પોતાની એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં એક સાંજ વિતાવવા ઇચ્છતા હતા. તેમણે પોતાની કૉલેજમાં એક આખો દિવસ વિતાવીને સપનાનું પૂર્ણ કર્યું હતું જેનો વીડિયો તેમણે ટ્વીટ કર્યો હતો.
 
તેઓ બ્લ્યૂ હૉલમાં ડૂબકી મારવાનું પણ ઇચ્છતા હતા, જે સપનું તેમણે પૂર્ણ કર્યું હતું.
 
સ્વામી વિવેકાનંદ પર ડૉક્યુમૅન્ટરી બનાવવીસુશાંતસિંહ રાજપૂતની એક ઇચ્છા સ્વામી વિવેકાનંદ પર ડૉક્યુમૅન્ટરી બનાવવાની હતી. તે પૂર્ણ થઈ કે નહીં તે ખ્યાલ નથી કારણ કે તેના પર કોઈ વાત કરી ન હતી.
 
પુસ્તક લખવું, ઑરોરા બોરેઆલિસનું પેઇન્ટિંગ દોરવું, કૈલાસ જઈને મૅડિટેશન કરવું, 1000 ઝાડ વાવવા. સેનોટ્સમાં સ્વિમિંગ કરવું વગેરે તેમના ગોલ હતા.
 
સેનોટ્સમાં સ્વિમિંગનું તેમનું સપનું પૂર્ણ થયું હતું. આ ઉપરાંત ડિઝનીલૅન્ડની મુલાકાતનું સપનું પણ પૂર્ણ થયું હતું.
 
જંગલમાં એક દિવસ પસાર કરવો, ઘોડાનો ઉછેર કરવો, ઓછામાં ઓછાં 10 ડાન્સ ફોર્મ શીખવા, ઍન્ટાર્કટિકાની મુલાકાત લેવી, ઍક્ટિવ વૉલ્કેનોનું શૂટિંગ કરવાની ઇચ્છા પણ તેમની યાદીમાં હતી.