બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 22 માર્ચ 2022 (17:05 IST)

બંગાળમાં લોહિયાળ સંઘર્ષઃ ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા, 12 મકાનોને ચાંપી આગ, અત્યાર સુધીમાં 10ના મોત

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસી નેતાની હત્યા બાદ સોમવારે મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. અહીં ટોળાએ 10-12 ઘરોના દરવાજા બંધ કરી દીધા અને આગ લગાવી દીધી. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી ફાટી નીકળેલી હિંસામાં કુલ 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં TMC ઉપાધ્યક્ષની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  બીજી બાજુ ઘટનાની માહિતી મળ્યા પછી, ડીએમ સહિત બીરભૂમના તમામ મોટા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ બધાની વચ્ચે બીરભૂમના ફાયર ઓફિસરે માહિતી આપતા કહ્યું કે, ઘટના ગઈકાલે રાત્રે બની હતી, 10-12 ઘરોમાં આગ લાગી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે જેમના મૃતદેહ મળી આવ્યા છે. એક જ ઘરમાંથી 7 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.
 
બોમ્બ ફેંકી હત્યા
 
સોમવારે મોડી રાત્રે બંગાળના બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શેખ સ્ટેટ હાઈવે 50 પર જઈ રહ્યા હતા. ત્યારબાદ અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા . ત્યારબાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
 
ગત વર્ષે પણ ચૂંટણી પરિણામો બાદ હિંસામાં 16 લોકો માર્યા ગયા હતા.
 
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
 
બંગાળની સૌથી મોટી રાજકીય હિંસામાંથી એક
 
મળતી માહિતી મુજબ, હત્યા બાદ વિસ્તારના કોઈપણ ઘરમાં એક પણ પુરુષ સભ્ય બચ્યો નથી. પશ્ચિમ બંગાળમાં તાજેતરના સમયમાં આ સૌથી મોટી રાજકીય હિંસા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ઈમારતોને આગ લગાડી તે પહેલા ઘણા લોકો તેમના ઘરોમાં બંધ હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે.
 
હિંસા મુદ્દે બંગાળ ભાજપ મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે
 
શિશિર બાજોરિયાના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ ભાજપ આગામી પેટાચૂંટણી અને રાજ્યમાં ચાલી રહેલી હિંસા મુદ્દે આજે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે.