વિરાટ RCBની કેપ્ટનશીપ પણ છોડશે: કોહલીએ કહ્યું - કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL
વિરાટ કોહલી IPLની વર્તમાન સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.. તેમણે આવતા મહિને શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કપ્તાની છોડવાની જાહેરાત પહેલાથી જ કરી દીધી છે.
વિરાટે પોતાના મેસેજમાં કહ્યું - RCB ના કપ્તાન તરીકે આ મારી છેલ્લી IPL હશે. હું મારી છેલ્લી IPL મેચ રમતા સુધીમાં RCBનો ખેલાડી રહીશ. હું મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા માટે તમામ આરસીબી ચાહકોનો આભાર માનું છું
આરસીબીના કેપ્ટન કોહલીનો રેકોર્ડ
કોહલીનો કેપ્ટન તરીકે આરસીબી માટે રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. તે 2013થી ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી એક ટ્રોફી અપાવી શક્યો નથી. 2016 બાદ આરસીબીની ટીમે પાછલા વર્ષે પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું હતું. 2017 અને 2019માં તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે અને 2018માં ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. પરંતુ બેટ્સમેન તરીકે કોહલી માટે 2016ની સીઝન શાનદાર રહી હતી. આ દરમિયાન તેણે 973 રન બનાવ્યા હતા. ત્યારબાદ માત્ર 2018માં કોહલી 500 રનના આંકડાને પાર પહોંચ્યો હતો. આઈપીએલ 2021ની સીઝનની પ્રથમ સાત મેચમાં કોહલીની એવરેજ 33 રન રહી છે, જેમાં માત્ર એક અડધી સદી સામેલ છે.
નિર્ણયનું સન્માન અને સમર્થન - RCBના CEO
RCBના CEO પ્રથમેશ મિશ્રાએ કહ્યું કે વિરાટ કોહલી ખૂબ જ સારા ક્રિકેટર પૈકીનો એક છે. તેનું નેતૃત્વ કૌશલ અદભૂત રહ્યું છે. અમે તેના નિર્ણયનું સન્માન અને સમર્થન કરી છીએ. વિરાટને RCB નેતૃત્વ સમૂહમાં તેના અવિશ્વસનીય યોગદાન માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ.
બેટિંગ પર વિશેષ ધ્યાન આપવા ઈચ્છે છે વિરાટ
વિરાટે અગાઉ જ્યારે T-20 ટીમની કેપ્ટનશીપ છોડી ત્યારે કહ્યું હતું કે ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ જાળવી રાખવામાં આવશે. વિરાટ હવે બેટિંગ પર વિશેષ ધ્યાન આપવા ઈચ્છે છે. છેલ્લા બે વર્ષથી તેનું બેટિંગ પર્ફોમ્સ નબળું રહ્યું છે. તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે સદી ફટકારી શક્યો નથી.
વર્ષ 2013માં RCBનો કેપ્ટન બન્યો
વિરાટ કોહલી 2013ની સિઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે. તેના નેતૃત્વમાં ટીમ ફાઈનલમાં તો ચોક્કસ પહોંચેલી પણ એક પણ વખત ટુર્નામેન્ટ જીતી શકી નથી. વિરાટે IPLમાં અત્યાર સુધીમાં 132 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આ પૈકી 60માં RCBન જીત મળી છે. 65 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 3 મેચ ટાઈ રહી છે અને 4 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નથી.