ભાજપમાં જોડાઈને બાવળિયાએ સમાજ સાથે દગો કર્યો છે- અમિત ચાવડા
અમદાવાદ, કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાતા હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ કુંવરજીભાઈને ખૂબ આપ્યું છે. સમાજના આગેવાન તરીકે તેમને પાર્ટીએ ખૂબ મહત્વ આપ્યું છે. એટલું જ નહીં પાર્ટીએ તેમને પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સંસદસભ્ય બનાવ્યા છે. આગામી દિવસોમાં સમાજ અને મતદારો તેમની પાસેથી જવાબ માંગશે. તેમણે સમાજ સાથે દગો કર્યો છે. તેમણે જ્યારે આગ્રહ કર્યો ત્યારે તેમની દીકરી અને બહેનને પણ ટિકિટ આપી હતી. ભાજપમાં જોડાઈને બાવળિયાએ સમાજ સાથે દગો કર્યો છે.
બાવળિયા ભાજપમાં જોડાવા અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, "ભાજપમાં અનેક નેતાઓ તન, મન અને ધન સમર્પિત કરનારા સરકારમાં પદ મેળવવા માટે બળવો કરી રહ્યા છે. ત્યારે ભાજપે પૈસાના જોરે બહારના ઉમેદવારને પક્ષમાં સમાવ્યા છે. કુંવરજીભાઈ કદાચ બે મહિના માટે જ પ્રધાન બની રહેશે. આગામી દિવસમાં પેટાચૂંટણીમાં તેમની હાર થશે, તેમજ ભાજપમાંથી કોંગ્રેસમાંથી પરત ફરેલા ભોળાભાઈ આગામી દિવસોમાં ધારાસભ્ય બની શકે છે."
પક્ષથી નારાજ ચાલી રહેલા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે કુંવરજીભાઈ બાવળિયાના રાજીનામા અને ભાજપમાં જોડાવવા અંગે જણાવ્યું હતું કે, "તેમના રાજીનામાંથી મને ખૂબ દુઃખ પહોંચ્યું છે. કુંવરજીના જવાથી કોંગ્રેસને ચોક્કસ નુકસાન થયું છે. હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ. જો પાર્ટીમાં મારું સ્વમાન નહીં જળવાય તો હું ભાજપમાં જોડાવા કરતા રાજકારણ છોડી દેવાનું પસંદ કરીશ."
કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાતા હવે અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વિગતો બહાર આવી રહી છે. માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ અંગે માંડવી ખાતે આવેલા માજી કેન્દ્રીય મંત્રીએ પ્રતિક્રિયા આપતા ખુલાસો કર્યો હતો કે, ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. તેમણે ભાજપને આદિવાસીઓની વિરોધી પાર્ટી ગણાવતા કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં છે અને તેમાં જ રહેશે.