શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2022 (11:12 IST)

ગુજરાતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ભાજપ-કોંગ્રેસ જ નહીં કુલ 70 પક્ષો મેદાનમાં

gujarat vidhansabha election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે રસપ્રદ ત્રિપાંખિયો જંગ જોવા મળશે તેમાં બેમત નથી. અલબત્ત, માત્ર આ ત્રણ પક્ષ નહીં કુલ ૭૦ નાના-મોટા પક્ષોએ પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૬૬ પક્ષ વચ્ચે ટક્કર થઇ હતી. આમ, ગત ચૂંટણીની સરખામણીએ પક્ષોની સંખ્યામાં વધારો થયો છે.

ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે બે તબક્કામાં ૧૮૨ બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૩૯ રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૭૦ મહિલાઓ અને ૭૧૮ પુરૃષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં ૩૩૯ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં ૬૦ રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ ૮૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં ૭૬૪ પુરૃષ અને ૬૯ મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં ૨૮૫ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.૨૯ રાજકીય પક્ષોએ બન્ને તબક્કામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે ૧૦ રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ૩૧ રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આમ બંને તબક્કામાં થઈને કુલ ૭૦ રાજકીય પક્ષો ચૂંટણીમાં છે. નિષ્ણાતોને મતે, આ પૈકીના મોટાભાગના પક્ષના ઉમેદવારોને ડિપોઝીટ ગુમાવવાનો જ વારો આવે છે. છેલ્લી બંને ચૂંટણી (વર્ષ ૨૦૧૨, વર્ષ ૨૦૧૭)માં કુલ ૩૪૯૪માંથી ૭૫ ટકાથી વધુ ૨૭૪૨ને ડિપોઝીટ ગુમાવવી પડી હતી.આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ ૧૮૨ બેઠક પર ઉમેદવારોને ટિકિટ આપી છે. જોકે, ૨૦૧૭ની ચૂંટણીમાં તેણે જે ૩૯ બેઠક પર ઉમેદવારોને ટિકિટ આપી હતી તે તમામે ડિપોઝીટ ગુમાવી હતી.