કોંગ્રેસના પરેશ ધાનાણીએ સ્વીકાર હાર: ભાજપને આપી શુભેચ્છા
અમરેલી લોકસભા પર કાંટે કી ટક્કર બાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને જનતાનો ચુકાદો માથે ચડાવ્યો છે. આ સાથે ધાનાણીએ ભાજપના નેતાઓ તથા અમરેલી ભાજપના ઉમેદવારને ભવ્ય જીતની શુભકામના આપી છે. પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોએ પુન: ભાજપને સમર્થન આપ્યું છે. એવું ન હતું કે સમસ્યા ન હતી, દેશમાં પ્રશ્નો ન હતા, ખેડૂતોના દેવાને લઈ, ભ્રષ્ટાચાર-અત્યાચારોને લઈ, લોકોમાં સમસ્યાઓ હતી. પરંતુ સમસ્યાઓને કોરાણે મૂકીને લોકોએ સરકારને પુન: સમર્થન આપ્યું છે ત્યારે સરકાર જનતાના વિશ્વાસ પર ખરી ઉતરશે એવી આશા છે. આ સાથે કોંગ્રેસની હારના કારણો અંગે તેમણે જણાવ્યું હતું કે, અમે લોકોના મન વાચવામાં નિષ્ફળ ગયા છે. હવે અમે લોકોના મનના ઊંડાણ સુધી જશું, હારની સમીક્ષા કરશું તથા જરૂર પડશે ત્યાં સુધારા કરશું. અમે લોકો સાથે ખભેખભો મેળવીને લોકોના પ્રશ્નોને વાચા આપશું. વિપક્ષ તરીકે અમે વધુ સક્રિય રહીને, વધુ ઉત્સાહ અને સતર્કતાથી વાચા આપશું.