Loksabha Samachar 2024 - સુરતમાં નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત, ઘણા ઘટસ્ફોટ થવાની શક્યતા
કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થઈ ગયા બાદ મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી. ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ હતી. સુરત લોકસભા વિસ્તારની અંદર મતદારોનો ભારે રોષ નિલેશ કુંભાણી ઉપર જોવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારે જે પ્રકારનો ખેલ કરીને ઉમેદવારીપત્ર રદ કરાવ્યું છે તેને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત સ્થાનિક લોકોનો ગુસ્સો નિલેશ કુંભાણી તરફ વધી રહ્યો છે. નિલેશ કુંભાણીના ઘરની બહાર ગઈકાલ રાતે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસને પણ શંકા છે કે, નિલેશ કુંભાણીના ઘરે આવતા કાયદો વ્યવસ્થા જોખમાય શકે છે. નિલેશ કુંભાણી દ્વારા ગઈકાલે પોતે સુરતમાં આવી ગયા હોવાની વાત કરી હતી. આજે સવારે 8 વાગ્યે માધવ ફાર્મ ખાતે મીડિયા સાથે વાતચીત કરવાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો. મેસેજ મોકલવાના એક કલાક બાદ ફરીથી તેમના અંગત વ્યક્તિ તરફથી મેસેજ કરવામાં આવ્યો કે, તેમની તબિયત સારી ન હોવાથી તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે તેમ નથી. મેસેજ કર્યાના એક કલાક બાદ તેમની તબિયત કેવી રીતે ખરાબ થઈ શકે એ પણ એક મોટો પ્રશ્ન છે.
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ તરફથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું અને ત્યારબાદ ટેકેદારોની સહીને લઈને જે ઘટનાક્રમ બન્યો હતો ત્યારે ચૂંટણી અધિકારી સામે હાજર રહેવા માટે તેઓ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. જ્યારે તેઓ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા ત્યારે પણ મીડિયાએ તેમની સાથે વાત કરવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ એક પણ શબ્દ બોલ્યા નહોતા અને કલેક્ટર ઓફિસમાં જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ પાછલા બારણેથી ભાગી ગયા હતા. કારણ કે, તેમને ખબર હતી કે, કલેક્ટર ઓફિસના મુખ્ય ગેટ આગળ મીડિયાનો જમાવડો થયો છે અને તેમણે ઉમેદવારીપત્ર અંગે ટેકેદારોને લઈને પૂછવામાં આવનાર પ્રશ્નોના જવાબ આપવા પડશે.
તેમણે ગઈકાલે મીડિયા સાથે વાત કરવાનો મેસેજ પણ આપ્યો હતો. પરંતુ આજે ફરીથી તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. અત્યારે તેઓ કયાં ફાર્મ હાઉસમાં રોકાયા છે તે અંગે પણ કોઈ માહિતી નથી અને તેઓ હાલ ઘરે આવ્યા નથી. તેમના પરિવારજનો પણ સવારથી ઘરે ન હોવાનું જણાવી રહ્યા છે. એવી શક્યતા છે કે, તેઓ આજે સુરતના જ કોઈ ફાર્મહાઉસમાં તેમના પરિવાર સાથે રોકાયા છે