શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (15:39 IST)

અમદાવાદમાં ઉલ્ટી ગંગાઃ પત્ની દારૂ પીને પતિને મારતી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ

અનેક વાર એવા કિસ્સાઓ સાંભળવા કે જોવા મળ્યાં હશે કે કોઈ પતિએ તેની પત્નીને દારૂ પીને માર માર્યો હશે પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક એવો કિસ્સો પોલીસ પાસે પહોંચ્યો છે જેમાં એક પત્ની દારૂ પીને પતિને મારે છે. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે, પરિવારજનો ઇનકાર કરતા હોવાથી યુવકે વર્ષ 2018ના રોજ પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પતિ પત્ની અલગ મકાનમાં રહેવા ગયા હતા. જો કે, તેઓ અવાર નવાર યુવકના માતા-પિતાના ઘરે જતા હતા. લગ્નના થોડા જ દિવસ બાદ પતિને તેની પત્ની દારૂ પીતી હોવાની જાણ થઇ હતી. જેથી યુવક પોતાના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. પરંતુ સંયુક્ત પરિવારમાં ગયા બાદ યુવતી તેના સાસુ સસરાને માનસિક ત્રાસ આપવા લાગી હતી.યુવકની પત્ની અવાર નવાર દારૂ પી પતિના કારખાને પહોંચી જતી હતી અને બિભત્સ ગાળો પણ આપતી હતી. યુવકે આ મામલે પત્નીને સમજાવી હતી પરંતુ તે માનવા તૈયાર ન હતી.  થોડા દિવસો પહેલાં યુવકના પિતાને કોરોના થયો હતો. ત્યારે ઉપરના માળે રહેતી પત્નીએ માતા પિતાની સારવાર કરવા પતિને જવા દીધો ન હતો. ત્યારબાદ પણ યુવતી દારૂ પી પતિને માર પણ મારતી હતી. માતા-પિતાનો એક માત્ર સંતાન હોવા છતા તેમની સેવા, સારવાર કરવા ન જવા દેતા પતિ પત્ની વચ્ચે  ઝઘડો થયો હતો.ત્યારે પણ પત્નીએ પતિ સાથે મારા મારી કરી કાયદાનો ડર બતાવ્યો હતો. ઉપરાંત જે મકાનમાં પતિ અને તેનો પરિવાર રહે છે તે મકાન પોતાના નામે કરવા ધાક ધમકીઓ પણ યુવકની પત્નીએ આપતી હતી. પત્નીની વારંવાર દારૂ પીવાની ટેવ અને મારથી કંટાળી પતિએ પોલીસ મથકમાં અરજી કરતા તપાસ શરૂ કરી છે.તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લગ્નના થોડા જ દિવસોમાં પત્ની દારૂ પીતી હોવાની પતિને જાણ થઇ ગઇ હતી. જેથી યુવકે પત્નીને સમજાવી હતી. જો કે, યુવતીને દારૂ પીવાની લત હોવાથી તે અવાર નવાર નશો કરી પતિને મારતી હતી. જેથી કંટાળી યુવકે આ મામલે પોલીસ મથકમાં અરજી કરી હતી. જો કે, ત્યારબાદ આ મામલે સમાધાન થઇ જતા બન્ને સાથે રહેતા હતા.પતિએ જે અરજી કરી છે તેમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેની પત્ની અવાર નવાર મરી જવાની ધમકી આપે છે. તે નશો કર્યા બાદ માર પણ મારે છે. ઉપરાંત તેને કંઇ પણ કહીએ તો તે મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી પુરાવી દેવાની ધમકી આપે છે. ઉપરાંત તેણે શારિરીક માનસિક ત્રાસ અને દહજેની માંગણીની ફરિયાદ પણ કરી છે. આમ છતા તે મારા જ મકાનમાં રહે છે અને સ્ત્રી તરફી કાયદાઓનો દૂર ઉપયોગ કરી અમને હેરાન કરે છે.