રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (09:43 IST)

ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે.

ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે.
40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર 'પ્રથમ' રહ્યાં હતાં.
25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં.
તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું.
ટ્વિટર પર સક્રીય રહી તેઓ વિદેશમાં ભારતીયોની મદદ કરવા ઉત્સુક રહેતાં હતાં.
સુપ્રીમ કોર્ટનાં પૂર્વ વકીલ એવાં સુષમાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ હરીયાણના અંબાલા કૅન્ટમાં થયો હતો.
તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને એટલે બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું.
રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાત થયા બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.
1970માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયાં અને એ સાથે જ તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ.
1975માં તેમણે સુપ્રીમ કોર્ટના ક્રિમિનલ લૉયર સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યાં. સ્વરાજ કૌશલ 1990માં દેશના સૌથી નાની ઉંમરના રાજ્યપાલ બન્યા હતા.
પાકિસ્તાની મહિલાએ સુષમા સ્વરાજને શું કહ્યું?
'જેલ કા ફાટક ટૂટેગા, જ્યોર્જ હમારા છૂટેગા'
 
કટોકટીકાળ વખતે સ્વરાજ કૌશલ 'બરોડા ડાયનામાઇટ કેસ'માં ફસાયેલા સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝના વકીલ હતા.
આ જ મામલે સુષમા જ્યોર્જ ફર્નાન્ડિઝની ડિફેન્સ ટીમમાં સામેલ થયાં હતાં.
જૂન 1976માં જ્યોર્જની ધરપકડ કરીને મુઝફ્ફરપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા એટલે તેમણે ત્યાંથી જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
1977ની લોકસભાની ચૂંટણીમાં તેમણે જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી.
એ વખતે સુષમા દિલ્હીથી મુઝફ્ફરપુર પહોંચ્યાં આખા વિસ્તારમાં હાથકડી સાથેની જ્યોર્જ ફર્નાન્ડિઝની તસવીર સાથે રાખીને પ્રચાર કર્યો.
એ વખતે તેમણે 'જેલ કા ફાટક ટૂટેગા, જ્યોર્જ હમારા છૂટેગા'નું સુત્ર આપ્યું હતું.
એ વખતે જ્યોર્જ ચૂંટણી જીતી ગયા હતા અને મુઝફ્ફરપુરના લોકોએ પરિવર્તનનો પવન અનુભવ્યો હતો.
 
નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી
1977માં સ્વરાજે જનતા પક્ષની ટિકિટ પરથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને 25 વર્ષની ઉંમરે હરિયાણાનાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બનવાનું બહુમાન મેળવ્યું.
એ વખતે તેમને શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. બીજી ટર્મમાં તેમણે શિક્ષણ અને અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.
1984માં સુષમા ભાજપમાં સામેલ થયાં અને પક્ષ સચિવ બન્યાં. પક્ષમાં તેમની કામગીરીની કદર કરવામાં આવી અને ટૂંક સમયમાં જ તેમને પક્ષનાં મહાસચિવ બનાવાયાં.
જોકે, તેમની કારકિર્દીમાં પડતીનો સમય પણ આવ્યો. વર્ષ 1980, 1984, 1989 અને 1990ની લોકસભાની ચૂંટણીમાં તેમને સતત નિષ્ફળતા સાંપડી. પણ આ દરમિયાન તેઓ રાજ્યસભામાં ચૂંટાયાં હતાં.
વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકાર દરમિયાન લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનો તેમણે ક્રાંતિકારી નિર્ણય લીધો હતો. એ વખતે તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળતાં હતાં.
1998માં તેઓ દિલ્હીનાં પ્રથમ મુખ્ય મંત્રી બન્યાં હતાં. જોકે, બે મહિના બાદ મુખ્ય મંત્રીના પદેથી રાજીનામું આપી તેઓ ફરીથી લોકસભામાં ચૂંટાયાં હતાં.
કાર્ડિયાક અરેસ્ટ શું છે, જેના કારણે સુષમા સ્વરાજનું મૃત્યું થયું
 
'સોનિયા ગાંધી વડાં પ્રધાન બને તો...'
વર્ષ 2000માં નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર આવી અને સુષમાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યાં.
એ વખતે તેમણે માહિતી અને પ્રસારણનું મંત્રાલય અને બાદમાં સ્વાસ્થ્ય અને સંસદીય બાબતોનું મંત્રાલય સભાળ્યું હતું.
વર્ષ 2004માં કેન્દ્રમાં કૉંગ્રેસ પરત ફરી ત્યારે જો સોનિયા ગાંધી વડાં પ્રધાન બને તો પોતે વાળ કપાવી નાખશે એવી સુષમાએ ધમકી પણ આપી હતી. જોકે, એ વખતે દેશના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ બન્યા હતા..
વર્ષ 2009માં સુષમાને સંસદમાં વિપક્ષનાં નેતા બનાવાયાં હતાં.
વર્ષ 2014માં મોદી સરકાર બની અને સુષમાને વિદેશમંત્રાલયનો હવાલો સોંપાયો.
જે દરમિયાન પોતાની કામગીરીને પગલે તેમણે દેશ અને વિદેશમાંથી સરાહના હાંસલ કરી.