ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

લઠ્ઠાકાંડમાં જવાબદાર કોણ ?

P.R

દેશને સત્ય, અહિંસા, પ્રેમ, સાદગી અને વ્યસનમુક્તિ જેવા પાઠ શીખવાનારા બાપુના ગરવા ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. આમ છતાં અહીં દારૂ રોજ પીવાય અને અન્ય રાજ્યો કરતાં વધુનો બેનંબરી વેપલો થાય છે. આ વાત ખુલ્લી છે. સૌ કોઇ જાણે છે, આજે જ્યારે દેશનો સૌથી મોટો લઠ્ઠાકાંડ આપણે ત્યાં બન્યો છે અને 100થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે ત્યારે આ મામલાની ગંભીરતા સમજવી જરૂરી થઇ પડે છે.

જો આ લઠ્ઠાકાંડ બન્યો ના હોત તો ગણત્રીના કલાકોના રાજાપાટ ભોગવ્યા બાદ આ તમામ વધુ એક સાંજના ઇંતજારમાં કામધંધે લાગી ગયા હોત. શુ આ પીનારાઓને ખબર ન હતી કે આ રાજ્યમાં દારૂ પીવો એ ગુનો છે? ભલે એ દેશી હોય કે અંગ્રેજી, ભલે કોઇ પીવડાવતું હોય કે પછી ગજવાના દોઢિયા કાઢી પીવાનો હોય, આમ છતાં જો દારૂ પીવો જ પડે છે અને વેચવો જ પડે છે તો અહીં અભાવ છે નૈતિકતાનો, કુંટુંબભાવનાનો અને રાજ્યભાવનો.

બુટલેગરોને પોષનાર પોલીસની વાત જ કંઇક અલગ છે. આ વિભાગની રચના જાણે કે ડિસ્કાઉન્ટના સમયમાં થઇ છે, જેથી એમને એક ઉપર એક ફ્રીનો લાભ મળ્યો છે. સરકારી પગારની સાથે મલાઇદાર સાઇડ ઇન્કમનો. બુટલેગર નાનો હોય કે મોટો આ દાદાને પહેલા પ્રસાદ ચઢાવવો પડે અને તો કામ આગળ ચાલે. અહીં દિવસે દિવસે પ્રસાદ પણ વધતો ગયો અને એની બદી પણ વધતી ગઇ.

પરંતુ આખા કાળચક્રમાં કોણ મોજ કરે છે અને કોણ સજા ભોગવે છે એ આપણે જોઇ રહ્યા છીએ, આપણી નજર સામે બની રહ્યું છે. તો આપણે કોને જવાબદાર ઠેરવશું ? બાળકોના માથેથી બાપની છાયા છીનવી લેતી ઘટનામાં જવાબદાર કોણ? પરિણીતાના માથેથી પાનેતર ખેંચી લેવામાં જવાબદાર કોણ ? કુંટુંબને પોષનાર મોભીને મોતની ચાદરમાં લપેટી લેતી આ ઘટનામાં જવાબદાર કોણ?