બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : રવિવાર, 23 ફેબ્રુઆરી 2020 (13:44 IST)

શું ભાજપની સરકાર ટ્રમ્પના કાર્યક્રમમાં ગાંધી આશ્રમને પડતો મુકશે?

આજ તા. ૨૨ ફેબ્રુઆરી ને કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ એ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા (પૂર્વ મુખ્યમંત્રી) ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધી બાપુની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મીડીયાના મિત્રોને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે; અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની અમદાવાદ ની મુલાકાત અંગે ગુજરાત સરકાર કહે છે કે તેઓએ ટ્રમ્પને આમંત્રણ નથી આપ્યું, વિદેશ ખાતું કહે છે કે અમોએ આમંત્રણ નથી આપ્યું, કેન્દ્ર સરકાર પણ ના ભણે છે, તો આ આમંત્રણ આપનાર કોણ? કોઈપણ દેશના રાષ્ટ્રપતિ હોય કે રાષ્ટ્ર પ્રમુખ કે વડાપ્રધાન હોય સામાન્ય નાગરિક કે સંસ્થા આમંત્રણ આપે અને તે આવે તેવું શક્ય બનતું નથી. તો કેન્દ્ર કે રાજ્ય સરકાર શા માટે જુઠાણાં ચલાવે છે? સાચી વાત કરવાની જે સરકારમાં હિંમત નથી, એ સરકાર શું કરવાની? 
ગુજરાત સરકાર ૨.૫ લાખ કરોડ કરતાં પણ વધારે દેવામાં હોય તેવા સમયે આવા તાયફા શા માટે કરવામાં આવે છે? આતો પોતાની વાહ વાહી કરાવવા માટે અને ટ્રમ્પ ને અમેરિકામાં ચૂંટણી જીતાડવા માટેના આ બધા પ્રયત્નો છે તેમાં મારા અને તમારાં નાણાં વેડફવાનો કોઈને અધિકાર નથી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના  આખા કાર્યક્રમનો ખર્ચ સરકાર દ્વારા થઇ રહ્યો છે. જે નાણા પ્રજાનાં છે જેને વેડફવાનો અધિકાર સત્તાધારીઓ ને નથી. પોતાની જૂઠી વાતો, ખોટા ખર્ચાઓને છૂપાવવા માટે બીજા જુઠ્ઠાણાં ઊભા કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપ ટ્રમ્પ અભિવાદન સમિતિ બનાવવામાં આવી છે. જે સમિતિના સભ્યો કોણ છે અને તે સમિતિ ક્યારે બની અને ટ્રમ્પ ને અમદાવાદ આવવા આમંત્રણ ક્યારે આપ્યું? ટ્રમ્પનો કાર્યક્રમ ૬ માસ પહેલા નક્કી થયેલો છે પરંતુ આ સમિતિ તો ૨ દિવસ પહેલા જ જાહેર કરવામાં આવી છે? તેનો અર્થ એ થાય છે કે સરકાર ઘણું બધું છુપાવી રહી છે. આ ગુજરાત ની પ્રજાને છેતરવાનો પ્રયત્ન માત્ર છે. 
ગાંધી આશ્રમની મુલાકાત મી. ટ્રમ્પ લેશે કે કેમ? આ પ્રકારની છેલ્લી ઘડીની આનાકાની કેમ કરવામાં આવે છે? શું ગાંધીજીના સત્ય અહિંસાના વિચારો તેમને પચતા નથી? શા માટે બાનાં બતાવવામાં આવે છે? 
આજે અનામત – બિન અનામત – કિસાનો – વેપારીઓ – દલિતો – આદિવાસીઓ – લઘુમતીઓ – વિદ્યાર્થીઓ – બેકાર યુવાનો અને નોકરીયાતો પોતાના પ્રશ્નો માટે મહિનાઓ સુધી ઉપવાસ આંદોલન કરતા હોવા છતાં મગરની ચામડી વાળી આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. મી. ટ્રમ્પ ની પાછળ જે બિન ઉપજાઉ ખર્ચ થાય છે એટલા ખર્ચામાં કેટલા બેકારોને નોકરી આપી શકાય?