સંવેદનશીલ શહેર હોવાના બહાને 144 લગાડીને લોકોને સતત ડરમાં રાખી શકાય નહીં: હાઈકોર્ટ

Last Modified શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (15:14 IST)

અમદાવાદ શહેરમાં CRPCની કલમ 144ના સતત અમલ મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે પોલીસનો ઊધડો લીધો હતો અને એસીપી દ્વારા રજૂ કરેલા સોંગદનામાથી સંતોષ નહીં હોવાથી પોલીસ કમિશનરને જવાબ આપવા આદેશ કર્યો છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે 144ના અમલનું નોટિફિકેશન કમિશનર બહાર પાડે છે તેથી કોર્ટમાં સોંગદનામું પણ કમિશનરે કરવું પડશે. સંવેદનશીલ શહેર હોય તો પોલીસે તૈયાર રહેવાનું હોય પણ એ બહાને લોકોને સતત ડરના વાતાવરણમાં રાખી શકાય નહીં. IIM-Aના ફેકલ્ટી દ્વારા શહેરમાં CRPCની કલમ 144ના સતત અમલ કરવા સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. પોલીસ દ્વારા માત્ર વિરોધ પ્રદર્શન કે રેલી કરનારા સામે જ 144ની કલમ લાગુ કરવામાં આવે છે, પરતું CAA અને NRCને સમર્થન આપવા ભેગા થયેલા લોકો સામે પોલીસ 144 લાગુ કરતી નથી. અરજીનો જવાબ આપવા 6ઠ્ઠી ફેબ્રુઆરીએ એસીપી દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું કરવામાં આવ્યું હતું. જેમાં રજૂઆત કરાઇ હતી કે, અમદાવાદ રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર છે તેથી 144ની કલમ લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ શકે છે. કોર્ટે પણ એવી ટકોર કરી હતી કે, 144 સતત ત્યારે લાગુ રાખવી તેનો મતલબ એવો થયો કે શહેર સલામત નથી. વર્ષ-2002ના રમખાણો, પાટીદાર અનામત આંદોલન, ઉનાકાંડ સહિતના અનેક અનિચ્છિનીય ઘટના વખતે શહેરમાં કાયદો અને સલામતી જોખમાઇ હતી. આવી સ્થિતિ ન સર્જાય તે કારણે કલમ 144નો સતત અમલ કરાય છે. શહેરને શાંતિપૂર્વક રાખવા માટે તેની જરૂર છે, પરંતુ તેનો દુરુપયોગ કરવો અયોગ્ય છે. કોર્ટે કહ્યું કે, પોલીસે કરેલા સોંગદનામાથી કોર્ટને સંતોષ નથી આથી પોલીસ કમિશનર 144ની કલમનો અમલ કરાવતું નોટિફિકેશન બહાર પાડે છે તો સોંગદનામું કરવું પડશે.આ પણ વાંચો :