સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (12:13 IST)

10 મહિનાથી મળેલો ઈ-મેમો રાજકોટ મેયર અને શાસકપક્ષના નેતાએ નથી ભર્યો

ગુજરાતમાં ઈમેમોથી લોકો સાવધાન થયા છે અને તેનાથી લોકોમાં થોડીક ટ્રાફિક અવેરનેસ પણ આવી છે પરંતુ ઘણા એવા લોકો પણ છે જેઓ આ ટ્રાફિક મેમોને ધ્યાને લેતાં જ નથી. બીજી બાજુ તાજેતરમાં નવા મોટરવ્હિકલ એક્ટ મુદ્દે પણ લોકોમાં રોષ પેદા થઈ રહ્યો છે ત્યારે સત્તાધીશોની વાત પણ ઓછી નથી. તેમને જાણે શહેરના કોઈ કાયદા કે નિયમ લાગુ ન પડતા હોય અને શાસકપક્ષના નેતાઓ જાણે ઈ-મેમો ભરવાના મોહતાજ ન હોય એમ મેયરની કારનો નિયમભંગ કર્યાનો રૂ. 400નો ઈ-મેમો તેમણે દસ-દસ મહિનાથી ભર્યો નથી. બીજી બાજુ શાસક પક્ષના નેતા તો મેયરથી પણ ચડિયાતા નીકળ્યા. એમણે દોઢ મહિનામાં એક જ નિયમ ત્રણ વખત ભંગ કર્યો અને પોલીસે તેમને રૂ. 700નો ઈ-મેમો ફટકાર્યો છે, પરંતુ તેમણે પણ ત્રણેય મેમા ભરપાઈ કર્યા નથી. મેયર બિનાબેન આચાર્યની કાર ડૉ.યાજ્ઞિક રોડ પર બે વખત વન-વેમાં જઈને નિયમ ભંગ કર્યો છે. પહેલી વખત રૂ.100 અને બીજી વખત રૂ. 300નો મેમો ફટકારાયો છે, જ્યારે શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણીની કાર કોર્પોરેશન કચેરી પાસે જ સતત ત્રણ વખત વન-વેમાં ચલાવી ટ્રાફિકના નિયમ ભંગ કરવા બદલ પોલીસે તેમને રૂ. 100, 300 અને 300 એમ કુલ 700 રૂપિયાના મેમા ફટકાર્યા છે, પરંતુ આજદિન સુધી બંને સત્તાધીશોએ મેમા ભરપાઈ કર્યા નથી. પોલીસ લોકો પાસેથી ધોકો પછાડીને દંડ વસૂલી રહી છે અને બીજી બાજુ નેતાઓ દંડ ભરતા નથી. આશ્ચર્યની વાત એ છે કે કેમેરામાં કોઈ પોલીસની કાર નિયમભંગ કરતી દેખાય, વન-વેમાં ચાલે, નો-પાર્કિંગમાં હોય, રોંગ સાઈડમાં હોય તો પણ તેમને ઈ-મેમા નથી આવતા. કેમેરામાં દેખીતી રીતે જ ખબર પડી જાય છે કે આ પોલીસની જીપ કે પીસીઆર વાન છે. જેનો સીધો લાભ કંટ્રોલના કર્મચારીઓ પોતાના જ તંત્રને આપે છે.