બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 માર્ચ 2020 (14:13 IST)

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારને હવે છ મહિના સુધીની જેલ સજા થઈ શકશે

માર્ગ અકસ્માતો રોકવા માટે કેન્દ્ર સરકારે ટ્રાફીક દંડમાં અનેકગણો વધારો કરીને કાયદો કડક બનાવ્યો જ છે. ગુજરાત સરકારે પણ તેનો અમલ કર્યો છે. હવે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારાઓનો વારો નીકળશે. આવા ગુનાને બેફામ-બેદરકારી ભર્યા ડ્રાઈવીંગની વ્યાખ્યામાં મુકવામાં આવશે અને તેમાં 6 મહિનાની જેલ સજાની જોગવાઈ છે. ટ્રાફીક પોલીસના સૂત્રોએ કહ્યું કે ચાલુ વાહને મોબાઈલની જ વાત કરવી કે કાનમાં ઈયરફોન-હેડફોન લગાવીને મોબાઈલ મારફત વાતચીત કરવી તે ગુનો જ છે. ચાલુ વાહને મોબાઈલમાં વાતચીતને કારણે અકસ્માતોની માત્રા વધુ રહેતી હોવાનું ધ્યાને આવ્યુ છે અને એટલે આગામી એપ્રિલ મહિનાથી કાયદાની કલમ 279 હેઠળ ગુનો નોંધાશે જેમાં છ માસ સુધીની જેલ સજાની જોગવાઈ છે.
 
કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જારી કરેલા આંકડાકીય રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 2018માં ગુજરાતમાં ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવાને કારણે થયેલા માર્ગ અકસ્માતોમાં 187 લોકો મોતને ભેટયા હતા. 2017માં આ સંખ્યા 59 તથા 2016માં 54ની હતી તેનો સીધો અર્થ એવો થાય છે કે મોબાઈલ અકસ્માત વૃદ્ધિનું મોટુ કારણ છે. અમદાવાદ ટ્રાફીક બ્રાંચના નાયબ કમિશ્ર્નર તેજસ પટેલે કહ્યું કે ચાલુ વાહને મોબાઈલમાં વાત કરનાર સામે હવે બેફામ-બેદરકારીભર્યા ડ્રાઈવીંગનો ગુનો નોંધાશે. હેડફોન ભરાવીને વાત કરનારા સામે પણ ગુનો બને જ છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાલુ વાહને મોબાઈલ વાપરવાનું રીતસરનું દુષણ જ છે. 2019માં 9062 લોકોને પોલીસે પકડયા હતા અને 49.93 લાખનો દંડ વસુલ્યો હતા. 2018માં આ સંખ્યા 1871 હતી અને દંડની રકમ 17.49 લાખ હતી.