રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2024 (15:09 IST)

ડાયમંડ બુર્સ: નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રૉજેક્ટની મોટા ભાગની ઑફિસો કેમ ખાલી

Surat diamond bourse
ઉદ્ધાટનના છ મહિના બાદ સુરતના ખજોદસ્થિત સુરત ડાયમંડ બુર્સમાં અષાઢી બીજના દિવસે હલચલ જોવા મળી હતી. સુગમ સંગીતના તાલે મહેમાનોને આવકાર આપવામાં આવી રહ્યો હતો.
 
શુભ મનાતા આ દિવસે 250 જેટલા વેપારીએ બુર્સમાં પોતાની ઑફિસ શરૂ કરી. આ વેપારીઓ મુંબઈના છે અને જેઓ બુર્સમાં વેપારધંધો શરૂ કરે તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી.
 
હીરાઉદ્યોગના નાના-મોટા વેપારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. મુંબઈના વેપારીઓની સાથે સાથે શહેરના મોટા હીરા ઉદ્યોગકારોએ પણ બુર્સમાં પોતાની ઑફિસ શરૂ કરી. સુરતના હીરાદલાલો પણ બુર્સમાં બિઝનેસ કરી રહ્યા છે.
 
250 વેપારીઓએ ઑફિસ શરૂ કરી હોવાથી ડામયંડ બુર્સની મૅનેજમૅન્ટ કમિટી ખુશ છે. ગત વર્ષે 17મી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું એ પછી કમિટીને ઘણા અઘરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે.
 
એક તબક્કે એમ પણ કહેવાતું હતું કે બુર્સનું ‘ભવિષ્ય ધૂંધળું’ છે અને મુંબઈના વેપારીઓ આર્થિક પાટનગર છોડીને સુરત નહીં આવે. જોકે 250 વેપારીએ ઑફિસ શરૂ કરતાં નવી આશા બંધાઈ છે.
 
જોકે, સુરત ડાયમંડ બુર્સની અંદર મોટા ભાગની ઑફિસો બંધ છે. દરેક ઑફિસની બહાર નૅમ-પ્લૅટ તો જોવા મળે છે પરંતુ તેમાં કામકાજ થાય છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી રહી.
 
મુખ્યત્વે મુંબઈના હીરાના વ્યાપારીઓ અહીં આવ્યા
સુરત ડાયમંડ બુર્સમાં ઑફિસનું ઉદ્ધાટન કરનાર મોટા ભાગના વેપારીઓ મુંબઈના છે જેઓ રફ અને પૉલિશ થયેલા હીરાના લે-વેચનું કામ કરે છે. આ વેપારીઓની મુંબઈની બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ કે ઝવેરી બજારમાં ઑફિસ છે અને હવે સુરતમાં કારોબાર શરૂ કર્યો છે.
 
મોટા ભાગના વેપારીઓને આશા છે કે અહીં તેમનો વેપાર મુંબઈની જેમ ચાલશે. બુર્સમાં ચહલપહલ વધી છે અને વેપારીઓ અને બ્રોકરો પણ આવી રહ્યા છે.
 
મુંબઈમાં હીરાનો વેપાર કરતા ધ્રુવ માંગુકિયા કહે છે, "અહીં વેપારીઓ માટે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમ કે, સિક્યૉરિટી અમારા બિઝનેસ માટે બહુ જરૂરી છે, જે અહીં બહુ સારી છે. સાથે-સાથે અહીં મુંબઈ કરતાં વધુ ઑફિસ સ્પૅસ મળે છે. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં હીરાનો મોટા ભાગનો કારોબાર બુર્સથી જ થશે. અમે હાલમાં મુંબઈમાં ઑફિસ રાખીશું અને ધીમેધીમે સમગ્ર વેપાર અહીં શિફ્ટ કરીશું."
 
અન્ય વેપારીઓ પણ આવી જ યોજના ધરાવે છે. નરેશ લાઠિયા મુંબઈમાં એન. જે. જૅમ્સ નામની કંપની ધરાવે છે અને તેમણે સુરત ડાયમંડ બુર્સમાં ઑફિસ શરૂ કરી છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "હું મૂળ સુરતનો છું અને જ્યારથી ડાયમંડ બુર્સ બન્યું ત્યારથી અહીં ઑફિસ શરૂ કરવા માગતો હતો. હવે અમે વિધિવત્ રીતે અહીં કામ શરૂ કર્યું છે. સુરત ઘણી બાબતોમાં મુંબઈ કરતાં સસ્તું છે અને હીરાનું સમગ્ર કામકાજ અહીં થતું હોવાથી અહીં વધુ સારી તકો છે."
 
પરંતુ શું તમને આશા છે કે ખરીદદારો સુરત સુધી આવશે? તેના જવાબમાં લાઠિયા કહે છે, "જો વેપારી હશે તો ખરીદદારો આવશે જ. સુરત બુર્સ સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં અહીં કામ વધશે, જેનો ફાયદો વેપારીઓને જ થશે."
 
"સ્થાનિક વેપારીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની ઑફિસો એક જ સંકુલમાં હોવાને લીધે તેમની વચ્ચેનો સંપર્ક વધશે, જેથી સ્થાનિક વેપારીઓને તેમના હીરા વિદેશમાં ઍક્સપૉર્ટ કરવાની તકો મળશે."
 
 
બુર્સમાં કેટલીક ઑફિસો બંધ કેમ છે?
સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું હીરાબજાર છે, જેમાં 4000 કરતાં વધુ ઑફિસો છે.
 
નવેમ્બર 2023માં કિરણ જૅમ્સે મુંબઈથી પોતાની ઑફિસ સુરત બુર્સમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી. એ પછી માર્ચ 2024માં કંપનીએ અહીંથી ઑફિસને ફરી મુંબઈ શિફ્ટ કરી દીધી હતી. કંપનીએ પોતાનાં 1700 કર્મચારીઓને પણ ફરીથી મુંબઈ શિફ્ટ કર્યા હતા.
 
એ સમયે વ્યાપકપણે ચર્ચા હતી કે બુર્સમાં હીરા કંપનીઓએ પોતાની ઑફિસો શરૂ ન થવાના કારણે કિરણ જૅમ્સે આ પગલું ભર્યું હતું. જોકે, સુરત ડાયમંડ બુર્સની કમિટીએ આ વાતને નકારી કાઢી છે.
 
બીબીસીની ટીમે જ્યારે બુર્સની અંદર પ્રવેશ કર્યો, ત્યારે કેટલીક ઑફિસો બંધ હતી. દરેક ઑફિસની બહાર નૅમ-પ્લૅટ જોવા મળી, જેમાં વેપારીનું નામ અને તેમની કંપનીનું નામ તો લખેલું હતું, પરંતુ ઑફિસ લૉક હતી અને કોઈ અવરજવર જોવા નહોતી મળી.
 
આ ઑફિસોમાં કામકાજ થાય છે કે કેમ તે વિશે બીબીસી કોઈ પુષ્ટિ કરતું નથી.
 
બીબીસી સાથે વાત કરતા સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમૅન લાલજી પટેલ કહે છે કે, "હાલમાં 250 કરતાં વધુ ઑફિસો શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં બીજા વેપારીઓ ઑફિસ શરૂ કરવાના છે. બુર્સમાં બધી ઑફિસોની ફાળવણી થઈ ગઈ છે અને અમને આશા છે કે વેપારીઓ વહેલી તકે પોતાનું કામકાજ શરૂ કરશે."
 
જોકે બુર્સમાં કુલ કેટલી ઑફિસો હાલ કાર્યરત્ થઈ છે તેના વિશે લાલજી પટેલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
 
બુર્સના ચૅરમૅન ગોવિંદ ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સુરત અને મુંબઈ એક જ છે, કારણ કે સુરતમાં હીરાનું મૅન્યુફૅક્ચરિંગ થાય છે અને મુંબઈમાં તેનું વેચાણ થાય છે. એ રિવાજ છે કે પહેલાં માળખાકીય સુવિધાઓ આવે ત્યાર બાદ વેપાર વિકસે છે."
 
"એક વાર માળખાકીય સુવિધાઓ આવશે, એટલે ઑફિસો આવશે અને પછી ખરીદદારો પણ આવશે. મુંબઈમાં થતો હીરાનો વેપાર સુરત શિક્ટ થાય તે માટે અમે બુર્સ બનાવ્યું છે, જેમાં દરેક સુવિધાઓ છે."
 
"મુંબઈના વેપારીઓ સ્વાભાવિક છે તરત નહીં આવે અને તેમને પણ સમય આપવો પડે. હવે જ્યારે બધું તૈયાર છે ત્યારે વેપારીઓ આવી રહ્યા છે. ટૂંક સમયમાં મુંબઈથી વેપાર અહીં શિફ્ટ થઈ જશે."
 
શું સુરત ડાયમંડ બુર્સમાં હજુ સુધી બધા વેપારીઓ શિફ્ટ ન થવા પાછળ ઍર-કનૅક્ટિવિટી જવાબદાર છે? આ વાતનો આડકતરી રીતે સ્વીકાર કરતા તેમણે કહ્યું કે છેલ્લાં 20 વર્ષથી સુરત ઍરપૉર્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે.
 
''સુરતમાં રોજની માત્ર 30 ફ્લાઇટો આવે છે જે ઇન્દોર જેવા શહેર કરતાં પણ ઘણી ઓછી છે. અમે આ માટે ભારત સરકારને વિંનતી કરી છે અને અમને આશા છે કે બહુ જલદી સુરતને એવી ઍર કનૅક્ટિવિટી મળશે.''
 
ધોળકિયાએ આ સિવાય હીરાઉદ્યોગમાં ચાલતી મંદીને પણ મહત્ત્વપૂર્ણ કારણ ગણાવ્યું છે. તેઓ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં વૈશ્વિક હીરાવેપારમાં મંદી છે.
 
"સાલ 2022માં 23 બિલિયન ડૉલરના હીરાની નિકાસ થઈ હતી, જે સાલ 2023માં ઘટીને 16 બિલિયન ડૉલર થઈ ગઈ હતી. આ વર્ષે પણ હીરામાં વિવિધ કારણસર મંદી છે અને ડાયમંડ ઍક્સપૉર્ટ 12 બિલિયન ડૉલર રહેવાનો અંદાજ છે. મંદીના કારણે પણ ઘણા વેપારીઓ શિફ્ટ થઈ શક્યા નથી."
 
સુરતના હીરાદલાલો કરશે બુર્સથી વ્યાપાર?
જ્યારે સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને ભાજપ દ્વારા રાજ્યસભાના સંસદસભ્ય બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા કહ્યું હતું કે 'સુરક્ષા અને સ્પૅસ'ને બુર્સની ખાસિયત જણાવવામાં આવી રહી છે.
 
બીજી બાજુ, મુંબઈસ્થિત વેપારીઓ બુર્સમાં આવવા માટે આતુર હોઈ જૂના કર્મચારીઓ પણ સુરત આવવા તૈયાર હોવાનું સામે આવ્યું છે.
 
બુર્સમાં શું સુવિધાઓ છે અને કેટલી અદ્યતન છે તે બતાવવા માટે મહીધરપુરા અને વરાછાના મિની બજારમાં હીરાના બ્રોકરોને બુર્સની મુલાકાત કરાવવામાં આવી હતી. હીરાના દલાલોને અહીં કોવર્કિંગ સ્પૅસ આપવાનું આયોજન છે. બુર્સના મૅનેજમૅન્ટને આશા છે કે ડાયમંડ બ્રોકર્સ મોટી સંખ્યામાં ઑફિસ લઈને પોતાનો વેપાર કરશે.
 
ગોવિંદ ધોળકિયા કહે છે, "દિવાળી સુધી બીજી એક હજાર નવી ઑફિસો અહીં શરૂ થઈ જશે એવી અમારી ગણતરી છે. અમે એ દિશામાં કામ પણ કરી રહ્યા છીએ. હાલમાં વરાછા અને મહીધરપુરામાં જે હીરાદલાલો છે તેઓ અહીંથી કામ કરશે. આમ કરવાથી તેમને વધુ સારી તક મળશે."
 
સુરત ડાયમંડ બ્રોકર ઍસોસિયેશન અનુસાર, સુરતમાં 5000 હીરા દલાલો છે જેઓ વિવિધ પ્રકારના હીરા લે-વેચનું કામ કરે છે. આ બ્રોકરોને બુર્સમાં જઈને વેપાર કરી શકે તે માટે તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
 
ઍસોસિયેશનના પ્રમુખ નંદલાલ નાકરાણી કહે છે,"કેટલાક બ્રોકરોએ બુર્સમાં ઑફિસ લીધી છે અને હવે તેઓ ત્યાંથી વેપાર કરશે. જ્યારે પણ કોઈ ખરીદદાર આવશે તો તેઓ સીધા તેને હીરા વેચી શકશે. હાલમાં કેટલાક બ્રોકરો બુર્સમાં કામ શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં મોટા ભાગના બ્રોકરો ત્યાંથી જ વેપાર કરશે."
 
"સ્વાભાવિક છે કે બધા બ્રોકરો ત્યાં ઑફિસ નહીં લઈ શકે અને એટલા માટે કેટલાક બ્રોકરો ઑફિસ સ્પૅસ શૅર કરશે અને કેટલાક મિની બજારની જેમ ત્યાં વેપાર કરશે."
 
સુરતના હીરાના દલાલો ખરેખર અહીં આવવા માગે છે કે કેમ? તેના જવાબમાં નાકરાણી કહે છે કે, "હીરાના દલાલો બુર્સમાં કામ કરવા માટે આતુર છે અને અમને ખુશી છે કે બુર્સ મૅનેજમૅન્ટે અમારા માટે વ્યવસ્થા કરી છે. હીરાના દલાલ અહીં સુધી પહોંચી શકે તે માટે તેમના માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે."
 
કેમ ખાસ છે સુરત ડાયમંડ બુર્સ?
સુરત ડાયમંડ બુર્સ એ ગુજરાતના ડાયમંડ રિસર્ચ અને મર્કૅન્ટાઇલ સિટી (ડ્રીમ) પ્રોજેકટનો એક ભાગ છે.
 
ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં એસડીબી અને ડ્રીમ સિટી પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું હતું.
 
ગત વર્ષે 17મી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું હતું, ''આજે સુરત શહેરની ભવ્યતામાં એક વધુ ડાયમંડનો ઉમેરો થયો છે અને આ હીરો કોઈ જેવો તેવો નથી પરંતુ દુનિયાનો સર્વશ્રેષ્ઠ છે. આ બિલ્ડિંગની ચમકની આગળ બીજા બધાને ચમકને ઝાંખી પાડી દે છે.''
 
સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વનું સૌથી મોટું ઑફિસ સંકુલ કહેવામાં આવે છે જેનો ફ્લૉર વિસ્તાર 67 લાખ ચોરસ ફૂટથી પણ વધારે છે.
 
સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સના મૅનેજમૅન્ટે જણાવ્યું છે કે 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 16 માળના નવ ટાવરો છે જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4500થી વધુ ડાયમંડ ટ્રૅડિંગ માટેની ઑફિસો છે.
 
આ ઇમારત એકસાથે એક લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં 4,000થી વધુ કૅમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.
 
અત્યાર સુધી અમેરિકાના પેન્ટાગોનને દુનિયાની સૌથી મોટી ઇમારત તરીકે ગણવામાં આવતી હતી. પરંતુ સુરતના વેપારીઓનું કહેવું છે કે સુરતના ડાયમંડ બુર્સને દુનિયાની સૌથી મોટી ઇમારતનો ખિતાબ આપવામાં આવ્યો છે.