સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (14:06 IST)

અમદાવાદ બ્લાસ્ટ કેસના 30 દોષિતોએ ફાંસીની સજાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી

ગત ફેબ્રુઆરી મહિનામાં વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે તે પૈકીના 30 દોષિતોએ પોતાને મળેલી સજાને પડકારતાં ગુજરાત હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા છે.ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરી 2022માં અમદાવાદ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતોને સજા ફટકારી હતી. કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા જ્યારે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે તે પૈકીના 30 દોષિતોએ પરિસ્થિતિજન્ય સાક્ષી પર નિર્ભર હોય તેવા કેસમાં મૃત્યુની સજા ન આપી શકાય એવા તર્ક સાથે પોતાને મળેલી ફાંસીની સજાને પડકારી છે.

ન્યાયમૂર્તિ વી. એમ. પંચોલી અને ન્યાયમૂર્તિ એ. પી. ઠાકરની પીઠે શુક્રવારના રોજ તેમની અરજીને સ્વીકારી લીધી હતી. દોષિતોએ વકીલ એમ. એમ. શેખ અને ખાલિદ શેખના માધ્યમથી પોતાની અરજી દાખલ કરાવી હતી. અરજી દ્વારા તેમણે હાઈકોર્ટ સમક્ષ દોષસિદ્ધિ અને મૃત્યુની સજાના આદેશ પર રોક લગાવવા અપીલ કરી હતી. જોકે કોર્ટે તેમની અપીલને ફગાવીને અલગથી અરજી દાખલ કરવા કહ્યું છે.