ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 મે 2018 (13:31 IST)

Good News - ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ

ગુજરાતમાં ગરમીને કારણે લોકો હવે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. જ્યારે જૂનનાં પ્રથમ અઠવાડિયાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. એટલું જ નહિ, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 1 થી 5મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે. તો બીજી બાજુ અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતનાં મોન્સૂન પ્રોગ્રેસમાં 7 દિવસનો બ્રેક આવી શકે છે, નહિ તો કેરળમાં 1 લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. પરંતુ, દેશભરમાં જુલાઇ-ઓગસ્ટમાં ચોમાસું નબળું પડવાની શક્યતા નકારી શકાય નહિ.  આ વર્ષે જે રીતે ગરમી પડી રહી છે તે જોતાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ જૂનની શરૂઆતમાં 1થી 5 જૂનમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાથી થઇ શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમજ 15મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થવાની પ્રબળ શક્યતા વર્તાઇ રહી છે. પરંતુ, અરબી સમુદ્રમાં સાઈક્લોન સર્જાય તો ગુજરાત અને કેરળમાં ચોમાસું સમયસર બેસવાની પ્રબળ શક્યતા છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસું સૌ પ્રથમ આંદામાનનાં ઇન્દિરા પોઇન્ટને 15મી મેની આસપાસ હિટ કરે છે. ત્યારબાદ શ્રીલંકામાં 25 મેની આસપાસ પહોંચે છે તેમજ 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું સક્રિય થતુ હોય છે. પરંતુ, હાલની સ્થિતિ પ્રમાણે આંદામાનમાં ચોમાસું 5 દિવસ મોડું શરૂ થાય તેમ લાગી રહ્યું છે. જેથી ઇન્દિરા પોઇન્ટે 15 મેને બદલે 21થી 23 મે અને શ્રીલંકામાં 25 મે ને બદલે 28-29 મેનાં રોજ અને કેરળમાં 1 જૂનને બદલે 31મી મે નાં રોજ ચોમાસું બેસી જાય તેવી શક્યતા છે, જેમાં એકથી બે દિવસ આગળ પાછળ થવાની શક્યતા રહેલી છે.