માતા પણ કુમાતા થાય...? પતિ-પત્નીના ઝગડામાં 10 દિવસની બાળકીને માતા ફીડીંગ નથી કરાવતી
અમદાવાદમાં એક દિલ કંપાવી દેનારા સમાચાર સાંભળવા મળ્યા છે. જનનની જોડ સખી નહી જડે રે લોલ.. આ કહેવતને ખોટી ઠેરવતી ઘટના બની છે. 10 દિવસ પહેલા જન્મેલી બાળકી હ્રદયના વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને તે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવી કપરી પરિસ્થિતિમાં બાળકીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમની પત્ની નવજાત બાળકીને ફીડીંગ નથી કરાવતી. તબીબો દ્વારા બાળકીના સારા આરોગ્ય માટે નવજાતની માતાને વારંવાર કહેવા છતાંય માતા ફીડીંગ ન કરાવવા પર મક્કમ છે.
નવજાતના પિતાએ તેની પત્નીને કૌટુંબિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવાની વિનંતી કરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક માતા કે જેણે 9 મહિના સુધી જે બાળકીને પોતાના કોખમાં રાખી આજે તે પોતાની જ નવજાત બાળકીની જ દુશ્મન બનીને બેઠી છે. અમદાવાદનો આ કિસ્સો કોઈને પણ હચમચાવી નાખે તેવો છે. બાળકીને તેના માતાનું દૂધ ન મળતા તેને પાવડરનું દૂધ પીવડાવવું પડે છે. માતાપિતાના ઝઘડામાં આ નવજાતનો શું વાંક, જેને જન્મતાની સાથે જ ગંભીર બીમારી મળી છે, અને સાથે જ તે માતાના સ્નેહ વિના ટળવળી રહી છે. દુનિયામાં હજી 10 દિવસ પહેલા જ આવેલી આ બાળકી જીવવા માટે એક તરફ પોતાની બીમારી, તો બીજી તરફ પોતાની માતા સામે સંઘર્ષ કરી રહી છે. ઈશ્વર આવી નિર્દયી માતાને સદ્દબુદ્ધિ આપે.