બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જુલાઈ 2020 (11:09 IST)

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ: ઉમરગામમાં 5 ઇંચથી વધુ વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં વરસાદી સિઝન ખીલી ઉઠી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં હજુ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ તરફના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જે અંતર્ગત આજે ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
 
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 14 જુલાઇએ આણંદ, ડાંગ, નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 15 બીજી તરફ જુલાઇએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
 
સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની મહેર શરૂ થઇ ગઇ છે. વલસાડના ઉમરગામમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતનાં છુટાછવાયા વિસ્તારમાં ધીમીધારે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં ત્રણ ઇંચ, માંગરોળમાં અઢી ઇંચ, અને પલસાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. 
 
સુરતનાં તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, ત્યારે બીજી તરફ વાલોડના બાજીપૂરા, શાહપોર,નનસાડ,નવફાળીયા,બુહારી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી,તાપી જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઇ છે. તાપીના વાલોડ તાલુકાના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો.
 
આ ઉપરાંત ખેડા, ભરૂચ, પંચમહાલ, કલોલ , અને આણંદ સહિત અનેક સ્થળોએ વરસાદે લોકોને ગરમીથી રાહત અપાવી હતી. હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.