મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (10:53 IST)

વડોદરા તૃષા હત્યા કેસમાં કોર્ટમાં હાજર કરાયેલ હત્યારા કલ્પેશના રિમાન્ડ મંજૂર થયાં

વડોદરાના ચકચારી તૃષા હત્યા કેસમાં આજે આરોપી કલ્પેશ ઠાકોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસ જાપ્તા વચ્ચે રહેલા કલ્પેશના ચહેરા પર કોઇ પ્રકારનો પસ્તાવો કે દુખ જોવા મળ્યું ન હતું. જો કે જજ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાતા તેના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા હતા અને બંને હાથ ભેગા કરી (ભીંસી દઇ) મુઠ્ઠીવાળી બેસી રહ્યો હતો.વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં મામાને ત્યાં રહી પોલીસની પરીક્ષાની તૈયારીઓ કરી રહેલ તૃષા સોલંકીની ગત 22મીની રાત્રે પ્રેમ સંબંધ તોડી નાખતા કલ્પેશ ઠાકોર (રહે. માણેજા, વડોદરા)એ મુજાર ગામડી પાસે ખેતરમાં બોલાવી ધારદાર પાળિયા (લાકડા અને ઘાંસ કાપવાના દાતરડા જેવા લાંબા ખેતીના ઓજાર)થી હાથ કાપી નાખી અને 10થી વધુ ઘા ઝીંકી હત્યા કરી હતી. આ મામલે પોલીસે રાત્રે જ આરોપી કલ્પેશની અટકાત કરી તેને ગુરૂવારે વડોદરામાં કોર્ટમાં હાજર કર્યો હતો.ક્રૂર રીતે હત્યા કર્યા બાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાં લાવવામાં આવેલા આરોપી કલ્પેશના ચહેરા પર કોઇપણ પ્રકારનો પસ્તાવો કે દુખ જોવા મળ્યું ન હતું. તેને સાંજે 4 વાગ્યેને 20 મિનિટે કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં જજ દ્વારા તેને પુછવામાં આવ્યું હતું કે શું તને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે? જેના જવાબમાં કલ્પેશે કહ્યું હતું કે ના. લગભગ 30 મિનિટ સુધી ચાલેલી કોર્ટ કાર્યવાહી દરમિયાન પહેલી 20 મિનિટ કલ્પેશ કોઇપણ ડર વિના બેસી રહ્યો હતો અને જે કોઇ તેની સામે જુએ તેની સામે આંખમાં આંખ મિલાવીને તે સામે જોતો હતો. તે હત્યાનો આરોપી છે તેની તેનામાં કોઇપણ જાતની શરમ કે હાવભાવ ન હતા.કલ્પેશ સુનાવણી દરમિયાન તો મક્કમ જોવા મળ્યો હતો પરંતુ જજ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાં જ તેણે બંને હાથ ભેગા કરી ભીંસી દીધા હતા અને સુનાવણીની કાર્યવાહી પૂર્ણ થવાની છેલ્લી લગભગ 10 મિનિટ સુધી તે કોર્ટમાં બંને હાથ ભીંસીને બેસી રહ્યો હતો અને તેના ચહેરાના હાવભાવ પણ બદલાઇ ગયા હતા તેમજ કોર્ટમાં હાજર પોલીસકર્મીઓ તરફ વારેવારે નજર કરી તેમને જોઇ રહ્યો હતો