અમદાવાદમાં ચાંદખેડામાં 2 પિસ્તલ, 8 કારતૂસ સાથે રાજસ્થાનનો યુવક પકડાયો
ચાંદખેડામાંથી ક્રાઇમ બ્રાન્ચે બે પિસ્તલ, આઠ કારતૂસ અને એક મેગેઝિન સાથે એકને ઝડપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સફેદ રંગની કારમાં ચાલક ગેરકાયદે હથિયારો રાખી તેનો નિકાલ અથવા અન્ય કોઈ હેતુસર રાખી મહેસાણા તરફથી આવી ઝુંડાલ સર્કલથી ચાંદખેડા તરફના રસ્તે જતાં શુભ લક્ષ્મી સોસાયટી થઈ આગળ જવાનો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝુંડાલ સર્કલથી ચાંદખેડા તરફ જતાં શુભ લક્ષ્મી સોસાયટી પાસે વોચ ગોઠવીને કાર ચાલકને ઝડપી તપાસ કરી હતી, જેમાં કારચાલક સદ્દામ ઉર્ફે સદ્દુ કાલુખાન ભૈયા (ઉં. 27, બાડમેર રાજસ્થાન) પાસેથી 2 પિસ્ટલ, 8 કારતૂસ, એક મેગેઝિન મળી આવ્યાં હતાં.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી પૂછપરછ માટે પોલીસે કસ્ટડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેને એવી આશા હતી કે ગુજરાતમાં હથિયારો વેચવાથી વધુ પૈસા મળી શકે છે માટે તે વધુ પૈસાની લાલચમાં હથિયાર અને કારતૂસ લઈને આવ્યો હતો.