કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર બંધારણને લઈને આક્ષેપ કર્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે "નરેન્દ્ર મોદી અને તેમની સરકાર બંધારણ પર હુમલો કરવા ઇચ્છે છે, પરંતુ અમે તે થવા નહીં દઈએ."
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "એનડીએ સરકારના પહેલા 15 દિવસોમાં ભયંકર ટ્રેન દુર્ઘટના, કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ, ટ્રેનોમાં પ્રવાસીઓની દુર્દશા, નીટ ગોટાળો, નીટ પીજીનું પેપર રદ, યૂજીસી નેટનું પેપર લીક, આગથી સળગતાં જંગલો, જળ સંકટ અને હીટવેવમાં વ્યવસ્થા ન હોવાને કારણે મૃત્યુ થયાં છે."
"નરેન્દ્ર મોદી બૅકફુટ પર છે અને પોતાની સરકાર બચાવવામાં વ્યસત છે. નરેન્દ્ર મોદીજી અને તેમની સરકારનો બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી. અમે તે કોઈ પણ કાળે થવા નહીં દઈએ. ઇન્ડિયાનો મજબૂત વિપક્ષ દબાણ બનાવી રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડા પ્રધાનને પોતાની જવાબદારીમાંથી બચીને નીકળવા દેશે નહીં."
"ઇન્ડિયા ગઠબંધન"ના સંસદસભ્યોએ 18મી લોકસભાના પહેલા સત્ર દરમિયાન સંસદ પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઠબંધનના સંસદસભ્યો બંધારણનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હતા.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, "વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી અને વડા પ્રધાન મોદી બંધારણ બદલશે નહીં."