રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (11:05 IST)

Delhi viiolence- દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન હિંસા કેમ થઈ?

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
 
હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલ અનુસાર હનુમાન જયંતી નિમિત્તે યોજવામાં આવેલી શોભાયાત્રામાં અંદાજે 300 લોકો સામેલ હતા.
 
આ હિંસામાં છ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે અને એક સ્થાનિક નાગરિકને પણ ઈજા થઈ છે. આ હિંસાની શરૂઆત કઈ રીતે થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
 
અહેવાલમાં પોલીસ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જ્યારે આ શોભાયાત્રા જહાંગીરપુરી વિસ્તારના સી-બ્લૉક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે મારામારીથી શરૂ થયેલી આ ઘટના હિંસા અને પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી.
 
ગુસ્સે ભરાયેલા લોકોએ ઘણાં વાહનોને આગ ચાંપી દીધી હતી અને આસપાસની દુકાનોને પણ નુક્સાન પહોંચાડ્યું હતું. હિંસામાં દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગી છે. જેઓ હાલમાં સારવાર હેઠળ છે.
 
અખબારે જ્યારે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો લોકો પાસેથી અલગઅલગ જવાબ મળતા હતા.
 
કેટલાક લોકોનું કહેવું હતું કે શોભાયાત્રા પર વગર કારણે જ હુમલો કરવામાં આવ્યો છે. તો કેટલાક લોકોનું કહેવું હતું કે મસ્જિદ પર ઝંડો ફરકાવવાના પ્રયત્ન બાદ માહોલ તણાવભર્યો બન્યો હતો.
 
જોકે, પોલીસે હજુ સુધી હિંસાના ઘટનાક્રમની પુષ્ટિ કરી નથી. પોલીસના કહેવા પ્રમાણે તપાસ ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે.