ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (13:22 IST)

સરકાર આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહી છે સૌ સતર્ક રહો - હાર્દિક પટેલ

હાર્દિકે સરકાર પર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ બધાને સાવચેત રહેવા કહ્યું હતું. 11 દિવસના ઉપવાસમાં કોઈ હિંસા નથી થઈ, આંદોલનને તોડવા અને બદનામ કરવાનો ભાજપનો ખેલ ખેલેશે તેમ જણાવી તેણે કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અને યુવાનો આપણે ધીરજ રાખવી. ભાજપ કે પોલીસની સામે ઘર્ષણમાં ના ઉતરો, ગાંધીચીંધ્યા માર્ગે ચાલીને અધિકાર માંગો. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 12 દિવસ છે. તેના ઉપવાસના 11માં દિવસે સરકાર સફાળી જાગી હતી. મંત્રી સૌરભે પટેલે હાર્દિકને તેના સ્વાસ્થ્યની સરકાર ચિંતા કરે છે તેવું જણાવ્યું હતું. સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી. બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ 'પાસ'ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ મારા સાથે જ ચર્ચા કરે.પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે. ખેતી, વીજળી, શિક્ષણ, અનામત જેવા પ્રશ્નો સમાજના છે, હાર્દિકના પ્રશ્નો તેના પોતાના પણ હોઇ શકે પરંતુ અમે તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી છે.બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ. સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ હાર્દિકના નિવાસ સ્થાને મુલાકાત કરીને હાર્દિકના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. 11માં દિવસે ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુધ્ન સિંહાએ હાર્દિકના નિવાસસ્થાને મુલાકાત કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો જેવા કે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેનો શત્રુધ્ન સિંહાએ જવાબ આપ્યો હતો કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી પરંતુ સર્વપક્ષો પ્રેરિત છે. ઉપરાંત સિંહાએ જણાવ્યું કે, ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે, હાર્દિક પટેલના આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે.હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે જો યોગ્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ન આવે તો તોફાનો થવાની શક્યતા હોવાનું પોલીસે હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં સ્પષ્ટ કર્યું છે. સ્થિતિ જાળવવા માટે કલમ 144 લગાવી તેના પાલન માટે પોલીસ ગોઠવાઈ છે.મંગળવારની સવારે મંત્રી સૌરભ પટેલે આપેલા નિવેદનનો જવાબ આપતા હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, મંત્રી એમ કહે છે કે, હાર્દિક પ્રેમથી માને તો પ્રેમથી નહીંતો રાજકીય રીતે સમજાવીશું. ત્યારે મંત્રીને જણાવવા માગું છું કે, આવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી ભાજપની સરકારના ઘણા નેતાઓ આપી ચૂક્યા છે. જીવન-મરણ ઈશ્વરના હાથમાં છે. હું દરેક દિવસને જીવનનો છેલ્લો દિવસ માનીને જ ચાલુ છું.