ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (12:28 IST)

ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી અમલી, જાણો કોને અને કેટલી મળશે સબસિડી

Harsh shangavi
વાહન વ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ખાતે વાહનવ્યવહાર વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ માટેના ૩૦૫૫.૧૯ કરોડની જોગવાઈની માંગણીઓ રજૂ કરતા કહ્યુ કે, રાજ્યના છેવાડાના ગામ સુધી પરિવહન સુવિધા પહોંચાડવા વાહનવ્યવહાર વિભાગ સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર વિભાગના ગત વર્ષના ૧૨૮૦.૭૫ કરોડની સાપેક્ષે આગામી વર્ષનું બજેટનું  કદ અઢી ગણુ વધાર્યું છે. એટલે કે ગયા વર્ષ કરતા આગામી વર્ષે ૧૩૮.૫૪ ટકાનો વધારો કરીને યાતાયાતની સુવિધાઓમાં નોધપાત્ર વધારો કરવાનો નિર્ધાર કર્યો છે.
 
તેમણે ઉમેર્યુ કે, વાહનવ્યવહાર વિભાગ એ રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. વાહનવ્યવહાર ખાતુ મોટર વાહન વેરા પેટે રાજ્યની મહેસૂલી આવક વધારવાનું કાર્ય કરે છે, તો બીજી તરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ છેવાડા સુધીના લોકોને સુવિધા પુરી પાડવા નાનામાં નાના ગામડા સુધી પોતાની સેવા પહોંચાડી કલ્યાણ રાજ (Welfare State) ની સંક્લ્પના સિધ્ધ કરે છે અને રોડ સેફટી ઓથોરીટી વાહનોના અકસ્માત ઓછા થાય તેમજ વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય તેવી કામગીરી કરી રહ્યુ છે.
 
રાજ્યની આર્થિક વિકાસની સાથે સાથે વાહનોની સંખ્યા તથા વાહન ચાલકોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, વર્ષ ૧૯૯૬-૯૭ માં કુલ નોંધાયેલ વાહનોની સંખ્યા ૩૭.૭૬ લાખ હતી, જે આજે આશરે ૩ કરોડ જેટલી થઈ ગઈ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજીટલ ઈંડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે આર.ટી.ઓ સબંધિત ૮૦ ટકા સેવાઓને સારથી ૪.૦ અને વાહન ૪.૦ જેવી એપ્લીકેશન દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાઈ છે.
 
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેગ આપવા તથા નાણા અને સમયનો બચાવ કરવા ચેકપોસ્ટ નાબુદ કરી ઓડીસી મોડ્યુલ અને ટેક્ષ મોડ્યુલની સુવિધા અમલમાં મુકવામાં આવી છે. તેમજ ચલણ ઇસ્યુ કરવા અર્થે ઓન ધ સ્પોટ પેમેન્ટની સુવિધાથી સજજ હેન્ડ હેલ્ડ ડીવાઇસ/POS નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓડીસી મોડ્યુલનો મુખ્ય હેતુ ઓવર ડાયમેન્શન કાર્ગોના એક્ઝેમ્પશન ફી ઓનલાઈન ભરપાઈ તથા ટેક્ષ મોડ્યુલનો હેતુ પરપ્રાંતીય વાહનોને  ઓનલાઈન  ટેક્ષ ભરપાઈની સુવિધા આપવાનો છે. વર્ષ-૨૦૨૨ દરમ્યાન ઓડીસી મોડ્યુલમાં કુલ ૩ લાખ ૬૦ હજાર કેસ નોંધાયેલ છે, આ થકી ૧૩૪ કરોડની રીકવરી અને વર્ષ-૨૦૨૨ દરમ્યાન ટેક્ષ મોડ્યુલમાં કુલ ૫ લાખ ૧૨ હજાર કેસ નોધાયેલ છે આ થકી ૬૪ કરોડની રીકવરી થઈ છે. વર્ષ-૨૦૨૨ દરમ્યાન ઓડીસી મોડ્યુલમાં ચલણ ન લીધેલ હોય તેવા ૩૭,૮૫૩ કેસ રાજ્યના ચેક પોઈન્ટ ખાતે નોંધાયેલ છે.
 
તેમણે કહ્યું કે, પર્યાવરણ માટે ચિંતિત ગુજરાત સરકારે હંમેશા વાયુ પ્રદુષણને ઘટાડવા તથા  ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી અમલી બનાવવાનો દુરંદેશી નિર્ણય કર્યો છે. તા.૦૧.૦૭.૨૦૨૧થી ખરીદાયેલા વિવિધ ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે. જેમાં કુલ બે લાખ જેટલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારની ફેમ-૨માં તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત  નિયત  થયેલ  સબસીડી  ચૂકવાશે. સબસીડીનું ધોરણ વાહનની બેટરી કેપેસીટી(kwh) પર નિયત કરેલ છે. ૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે.
 
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સબસીડી મેળવવા માટે ખુબ સરળ પધ્ધતિ અમલમાં મુકી છે. વાહન માલિકે વાહન નોંધણી કર્યા બાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિના મુલ્યે અરજી કરવાની રહે છે અને ઇલેક્ટ્રીક  વ્હીકલ ખરીદકર્તા વાહનધારકને સબસીડીની રકમ DBT દ્રારા અરજદારના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૫૧,૨૨૬ લોકોને રૂ.૧૨૫.૨૦ કરોડ રકમની સબસીડી સીધી તેમના ખાતામાં આપી છે. રાજયમાં ૬૯,૦૮૨ ઇ-વ્હીકલ્સ સબસીડીની કુલ મળેલ અરજીઓ મળી હતી તે પૈકી ૫૩,૯૯૮ અરજીઓ મંજુર કરાઈ છે. હોલ્ડ કરેલ અરજીઓ માટે જે તે અરજદારને ભારત સરકારના  ફેમ-૨ યોજનામાં લાભ મળેલ છે કે કેમ? તેની વિગતો ભારત સરકારમાં પત્ર લખી માંગેલ છે. જે મળ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. 
 
મંત્રીએ વાહન સ્ક્રેપીંગ પોલિસીની વાત કરતાં કહ્યું કે, જુના અનફિટ વાહનોએ અકસ્માતનું મોટું કારણ બને છે ઉપરાંત પ્રદુષણ પણ ફેલાવે છે. ગુજરાત સરકાર રોડ સેફ્ટીના મુદ્દે નોંધનીય કામગીરી કરતી આવી છે. આવા અનફિટ વાહનો નો યોગ્ય નિકાલ થાય એ માટે વાહન સ્ક્રેપીંગ પોલિસીનું ૧૩ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ વડાપ્રધાનના હસ્તે ગાંધીનગર ખાતેથી શરૂ કરી છે.
 
આ પોલિસીના મુખ્ય હેતુઓ/ફાયદાઓ વિગતો આપતા તેમણે કહ્યુ કે, માન્ય ફિટનેસ અને નોંધણી વગરના વાહનોને સ્ક્રેપ કરીને  પ્રદૂષણમાં ઘટાડો, માર્ગ, મુસાફરો અને વાહનોની સલામતીમાં સુધારો, ઓટો સેક્ટરના વેચાણને વેગ આપવો અને નવી રોજગારીની તકોનું સર્જન કરવું, બળતણ કાર્યક્ષમતામાં સુધારો અને વાહન માલિકો માટે જાળવણી ખર્ચમાં ઘટાડો, હાલમાં અનૌપચારિક વાહન સ્ક્રેપેજ ઉદ્યોગને ઔપચારિક બનાવો, ઓટોમોટિવ, સ્ટીલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે ઓછી કિંમતના કાચા માલની ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપવાનું છે.
 
પોલિસી મુખ્યત્વે ૧૫ વર્ષ જુના નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ૮ વર્ષ જુના ટ્રાન્સપોર્ટ વાહનોને લાગુ પડે છે. હાલ રાજયમાં નોંધાયેલ અંદાજીત ૨૩ લાખ વાહનો આ પોલિસી હેઠળ સ્ક્રેપ થશે. સ્ક્રેપ સેન્ટરના નિર્માણ અર્થે ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવાની કામગીરી હાલ કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરાઈ છે. રાજ્યમાં કુલ પાંચ સ્ક્રેપીંગ ફેસીલીટીને મંજુરી આપવામાં આવી છે. તેની વાર્ષિક સ્ક્રેપીંગ ક્ષમતા ૩.૦૦  લાખ વાહનો સ્ક્રેપ કરવાની છે.
 
તેમણે કહ્યુ કે, વાહનના ફીટનેસ ઇન્સપેકશનની કામગીરી આરટીઓ કચેરીઓમાં મેન્યુઅલ કરવામાં આવે છે. જેને સ્થાને ટેકનોલોજીનો ઉપયોગ કરી આ કામગીરી હજુ ગુણવત્તાસભર અને પારદર્શી બને એ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજયમાં PPP બેઝડ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ફીટનેશ સેન્ટર સુરત ખાતે  શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં આધુનિક ઉપકરણોની મદદથી કુલ ૧૪ જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. 
વાહનનું ફીટનેસ રીન્યુઅલ કરવા ઇચ્છૂક અરજદારે નિયત ફી ભરી AFMS મોડયુલ પર ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશનની પસંદગી કરી સ્લોટ બુક કરાવવાનો રહે છે. 
વાહનના ફીટનેશ ટેસ્ટ પૂરા થયેથી અરજદાર તેઓનું ફીટનેશ સર્ટીફીકેટ પણ AFMS મોડયુલ પરથી ડાઉનલોડ કરી શકે છે. વાહનોના ફીટનેશ ટેસ્ટીંગ મેન્યુઅલમાંથી ઓટોમેટીક કરવા કુલ ૨૦૪ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશનને શરતી પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. અંજાર(કચ્છ) અને બાવળા(અમદાવાદ) ખાતે અત્રેની કચેરી હેઠળ ઓટોમેટેડ ફીટનેશ સેન્ટર શરૂ કરવાની કામગીરી પ્રગતિમાં છે.
 
મોટર વાહન ખાતા દ્વારા ચાલુ વર્ષે કુલ ૩૫ અત્યાધુનિક ઇન્ટરસેપ્ટર વાહનો ખરીદવામાં આવ્યા છે. જે સ્માર્ટ એન્ફોર્સમેન્ટના વિચાર દ્વારા સ્પીડ ગન, કેમેરા અને પબ્લીક એડ્રેસ સીસ્ટમથી સજ્જ છે. ઈન્ટરસેપ્ટર વાહનો દ્વારા ૧૨, માર્ચ-૨૦૨૩ અંતિત કૂલ ૨૬૬૪ ચલણ ઈસ્યુ કરવામાં આવેલ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ ૫૮ ચેકપોઇન્ટ પર આ ઇન્ટરસેપ્ટરથી સઘન કામગીરી થશે. કુલ ૩૫૦ નંગ બોડીવોર્ન કેમેરા એન્ફોર્સમેન્ટ તેમજ ઓફીસની કામગીરીના મોનીટરીંગ અર્થે તાબાની કચેરીમાં આપવામાં આવેલ છે.
 
મંત્રી સંઘવીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ગયા વર્ષના ૯૬૮.૭૪ કરોડની સાપેક્ષે આગામી વર્ષમાં ૨૬૨૧.૩૮ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. જે ગયા વર્ષના બજેટ કરતા આશરે ત્રણ ગણી છે. આગામી સમયમાં નવી ૨૦૦૦ બસો ખરીદવાનું લક્ષ્યાંક  નિયત કરાયો છે. જે તબક્કાવાર સેવાઓમાં મૂકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરો અને અંતરીયાળ ગામોને પરીવહન સેવાથી સાંકળી, કોઇ પણ ગામ પરીવહન સેવાથી વંચિત ન રહે તે પ્રકારે અસરકારક કામગીરી સહ મુસાફરોને સમયસર અને આરામ દાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે.
 
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સેવા અર્થે વિવિધ કક્ષાની કુલ ૮૦૦૯ બસો જેમાં ૨૯૭ સ્લીપર કોચ, ૧૧૧ લકઝરી, ૧૧૨૩ સેમી લકઝરી, ૫૨૯૨ સુપર ડિલક્ષ અને ૧૧૮૬ મીડી બસનો કાફલો ધરાવે છે. મુખ્યમંત્રીના હસ્તે ૧૫૧ લકઝરી અને ૪૦ સ્લીપર કોચ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા જામનગરમાં ૧૫૧ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ૫૯૮ વાહનો એપ્રિલ-૨૩ સુધીમાં પ્રજાની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. 
 
આ ઉપરાંત ૪૦૦ સુપર એક્સ્પ્રેસ, ૨૦૦ સેમી લકઝરી  અને ૨૦૦ નોન એસી સ્લીપર કોચ બસો પણ આગામી સમયમાં ડિસેમ્બર -૨૩ સુધીમાં પ્રજાને સેવામાં મુકવાનું આયોજન છે. રાજ્યમાં પ્રદુષણમાં ઘટાડો કરવા સારુ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળે તેના ભાગ રૂપે “ZERO AIR POLLUTION” ધરાવતી પ૦ ઈલેકટ્રીક બસો ચાલુ  કરવામાં આવેલ છે તથા આગામી સમયમાં બીજી પ૦ ઈલેકટ્રીક બસો ચાલુ કરવાનું આયોજન છે.
 
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા તહેવારો દરમિયાન વધારાની ટ્રીપો થકી મુસાફરોને સમયસર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યના વિવિધ જીલ્લાઓ ખાતે યોજાયેલ લોક રક્ષક દળની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને આવવા-જવા માટે રાજ્ય સરકાર દ્વારા ૪૮૦૦ જેટલી ટ્રીપો એક્સ્ટ્રા સંચાલિત કરી કુલ ૨.૮૦ લાખ જેટલા પરીક્ષાર્થીઓને પરિવહન સેવા પુરી પાડી છે. સમગ્ર ભારતના તમામ STU અને નિગમમાં સૌપ્રથમ વખત ઓનલાઈન ટીકીટ બુકિંગમાં (OPRS) એક દિવસમાં તા. ૨૭/૧0/૨૦૨૨ ના રોજ ૧,૦૭,૫૧૪ ટીકીટ બુકિંગ થકી રૂ.૧.૯૭ કરોડ આવક મેળવેલ જે નિગમની વર્ષ ૨૦૨૨-૨૩ની ઐતિહાસિક સિદ્ધિ છે.
 
દિવ્યાંગો ઘેર બેઠા ટીકીટ મેળવી શકે તે હેતુથી ઇ-ટીકીટની શરૂઆત કરેલ છે. બસ સ્ટેશનો ખાતે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ મળે તે હેતુથી Bharat QRની અમલવારી કરી છે. સમગ્ર દેશમાં ગુ.રા.મા.વા.વ્ય. નિગમ એમીશન નોર્મસ (BS-6)ધરાવતા એક સાથે ૧૦૦૦ જેટલા નવા વાહનો ખરીદીને સંચાલનમાં મુકનાર સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઉપરાંત કંડકટરની કક્ષામાં ૨૩૮૯ ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. વહીવટી સાઇડ તથા મીકેનીકલ સાઇડ વિવિધ ૨૫ કક્ષાઓમાં કુલ ૩૪૬ ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે.
 
તેમણે કહ્યુ કે,રાજય સરકાર દ્વારા  રૂ|.૪૧.૨૭ કરોડના ખર્ચે ગોંડલ, સરા, ટંકારા, સાયલા, વસઇ, સેલંબા, કેવડીયા કોલોની, વિરપુર, તુલસીશ્યામ, કોટડા સાંગાણી, ક્લ્યાણપુર, ભાવનગર, ચોટીલા, વલસાડ, સરધાર અને ભાણવડ ખાતે બસ સ્ટેશન, રાજકોટ તથા રાપર મુકામે રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નવિન ડેપો વર્કશોપ તથા અમદાવાદ, ભુજ અને રાજકોટ મુકામે રૂ.૨૨.૦૩ કરોડના ખર્ચે નવિન સ્ટાફ કોલોની તેમજ રૂ.૪.૪૫ કરોડના ખર્ચે વલસાડ મુકામે નવિન ડીવીઝન ઓફીસનું એમ કુલ-૨૨ એકમોનું લોકાર્પણ કરવામાં આવી છે. પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે અંદાજીત રૂ|.૩૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ અમરેલી અને ભરૂચ મળી કુલ-૨(બે) બસ સ્ટેશનોનું ટુંક સમયમાં મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન છે.
 
મંત્રીએ ઉમેર્યુ કે, રાજય સરકારના ૧૦૦-દિવસના એકશન પ્લાન અંતર્ગત અંદાજીત રૂ|.૩૦.૯૦ કરોડના ખર્ચે ધાનપુર, સુરેન્દ્રનગર, રાજકોટ(સેટેલાઈટ), મોરબી, મહુવા, ડેસર તથા વાંકાનેર મળી કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન છે. આ ઉપરાંત અંદાજીત રૂ|.૨૪.૪૨ કરોડના ખર્ચે ઉધના, વેરાવળ, કોડીનાર અને સંતરામપુર ખાતે નવિન ડેપો-વર્કશોપ તેમજ નારાયણ સરોવર ખાતે નવિન બસ સ્ટેશન મળી કુલ-૫ એકમોનું ખાતમુહૂર્ત કરવાનુ આયોજન છે. 
 
મંત્રીએ ઉમેર્યું કે,રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તથા માર્ગ સલામતી સંબંધમાં કામગીરી કરવા માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી નામની વૈધાનિક સંસ્થાની રચના કરવામાં આવી છે. ઓથોરિટી માર્ગ સલામતીની બાબતમાં રાજ્યની લીડ એજન્સી હોઈ રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા નામ. સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટીના દિશાનિર્દેશોનું પાલન કરાવવાનું, તેનું મોનિટરીંગ કરવાનું અને સંકલન કરવાનું તેમજ ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડવા આપવામાં આવતાં દિશાનિર્દેશોનો અમલ, નેશનલ અને સ્ટેટ રોડ સેફ્ટી પોલિસીના અમલ અને મોનિટરીંગ કરવાનું કાર્ય કરે છે.
 
આ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા સંબંધિત વિભાગનાં અધિકારીઓ સાથે માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવવા કરેલ વર્કશોપ/સેમિનાર અને તાલીમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વધુમાં વધુ વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સંસ્થાઓ કામગીરી કરવા પ્રેરિત થાય તથા શહેર/જિલ્લા કક્ષાએ માર્ગ સલામતી માટે કાર્યરત સીટી અને ડીસ્ટ્રીકટ રોડ સેફટી કમિટીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા, પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-૨૦૨૨” એનાયત કરવામાં આવ્યો છે.
 
તેમણે કહ્યું કે, GSRTCની એસ.ટી. બસ પેનલ ઉપર માર્ગ સલામતી અંગેની જાહેરાત પ્રદર્શન, રાજ્યમાં વર્ષ ૨૦૨૩થી ધોરણ ૬થી ૧૨ના અભ્યાસક્રમમાં માર્ગ સાલમતી વિષયનું એક પ્રકરણ ઉમેરવું, રેડિયો FM ચેનલ પર જિંગલ, દૂરદર્શન ઉપર કાર્યક્રમો, વિડીયો ક્લિપ્સનું થીયેટરર્સમાં પ્રદર્શન થકી લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. અંબાજી, માતાનો મઢ, પાવાગઢ જેવા ધાર્મિક સ્થળો પર પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રી સંઘોને માર્ગ સલામતીની સમજુતી અને ૧૨ હજાર જેટલા રીફ્લેકટીવ જેકેટનું CSR અંતર્ગત વિતરણ કરવામાં આવેલ છે.
 
એટલું જ નહીં, વિવિધ સોશિયલ મિડીયા માધ્યમો થકી તેમજ મિડીયા સર્જનો. પોસ્ટર/હોડીંગ દ્વારા માર્ગ સલામતીના બહોળા પ્રચાર –પ્રસારની કામગીરી કરવામાં આવે છે. MoRTH સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે “વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
 
ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા “ગુડ સમરીટન એવોર્ડ’’ થી સન્માનિત કરવા માટેની કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને કોઈ નાગરિક પરોપકારની ભાવનાથી હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડવામાં મદદ કરે તેવા ગુડ સમરિટનને પાંચ હજાર રૂપિયાનો એવોર્ડ અને પ્રશંસાનું પ્રમાણપત્ર મળ્યું છે.