શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (14:33 IST)

અમદાવાદમાં સેરેબ્રલ પાલ્સી નામની બિમારીથી પીડાતા બાળક ઓમ વ્યાસને સંસ્કૃતના બે હજારથી વધુ શ્લોકો કંઠસ્થ છે

આપણામાં એક કહેવત છે જો મન મક્કમ હોય તો કોઈપણ પ્રકારના પડકારો વચ્ચેથી પણ સિદ્ધિ હાંસિલ કરી શકાય છે. આજે એક એવા બાળક વિશે વાત કરવી છે. જે સેરેબલ પાલ્સી નામની ગંભીર બીમારીથી પીડિત છે.આ રોગની કોઈ દવા નથી. પરંતુ માનસિક અને શારીરિક રીતે પીડિત હોવા છતાં આ 15 વર્ષના બાળકે અનોખી સિદ્ધી હાંસીલ કરી છે. અમદાવાદના ઓમ નામના બાળકે 10થી વધારે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેને સંસ્કૃતના બે હજારથી વધુ શ્લોકો કંઠસ્થ છે.
 
સેરેબ્રલ પાલ્સીની બીમારીથી છે પીડિત 
અમદાવાદમાં રહેતાં 15 વર્ષનાઓમના પિતા જીજ્ઞેશભાઈએ વેબદુનિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓમને માત્ર 3 વર્ષની ઉંમરે જ સુંદર કાંડ કંઠસ્થ થઈ ગયો હતો. જેના પછી અમે વિવિધ રીતે ગાયત્રી મંત્ર સાંભળાવતા. તેને કોઈપણ શ્લોક સાંભળાવો તો તરત જ યાદ રહી જાય છે જેના કારણે તેને હાલ એક હજારથી પણ વધારે શ્લોક મોઢે છે. શ્રીમદ ભગવત ગીતાના 18 અધ્યાય, આનંદનો ગરબો, રામાયણની ચોપાઈ, કબીર વાણીના 7 ભાગ, શિવ મહિમ્ન સ્તોત્ર, ઉપનિષદ, શિવતાંડવ સંપૂર્ણ પણે કંઠસ્થ છે.ઓમ જે રીતે આજે ધાર્મિક શ્લોકો અને પુસ્તકોને કંઠસ્થ કરી રહ્યો છે તે બધું સુજોક થેરાપીના કારણે શક્ય બન્યું છે.
 
શ્લોકની એક લાઈન તમે બોલો બીજી લાઈન ઓમ જાતે જ બોલશે
ઓમ ભલે એક અસાધ્ય બીમારીથી પીડાય છે પણ તેણે 10થી પણ વધારે એવોર્ડ પોતાના નામે  કર્યા છે. જેમાં લિમ્કા બૂક ઓફ રેકોર્ડ 2017, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ,ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2017, વર્લ્ડ બુક રેકોર્ડ યુ.કે 2107, ચિલ્ડ્રન બુક ઓફ રેકોર્ડ, એશિયા પેસેફિક રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા સ્ટાર આઇકોન એવોર્ડ 2018, 2019, ઈન્ડિયા સ્ટાર પર્સનાલિટી જેવા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.ઓમના પિતા જિગ્નેશભાઈએ કહ્યું હતું કે, હું તેના નામ સાથે તેનું માતાનું નામ રાખું છું. કારણ કે તે આખો દિવસ ઓમની પાછળ વિતાવે છે. ઓમ વાંચી અને લખી નથી શકતો, તે દિવસનું રૂટિન કામ પણ કરી નથી શકતો. તેને તમે કોઈપણ શ્લોકની લાઈન આપો તેના પછીની લાઈન તે આપો આપ બોલશે. 
 
દેશમાં 200થી વધુ સ્ટેજ શો કર્યાં
ઓમના પિતાએ કહ્યું હતું કે, ઓમને જે રકમ આપવામાં આવે છે તે રકમ તેના જેવા દિવ્યાંગ બાળકોની સેવા પ્રવૃત્તિમાં ખર્ચ કરવામાં આવે છે. ઓમના સ્ટેજ શોની વાત કરવામાં આવે તો વૈષ્ણોદેવી, અંબાજી, સોમનાથ, કાંકરિયા કાર્નિવલ જેવા વિવિધ 200 સ્ટેજ શો પણ કર્યા છે. જેના કારણે ભારતના વડાપ્રધાન તરફથી પ્રોત્સાહન પત્ર અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ડિસેમ્બર 2017માં દિવ્યાંગ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.