1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 16 ડિસેમ્બર 2013 (12:07 IST)

ગુજરાત એફએસએલ દ્વારા એશિયાનું પ્રથમ અને વિશ્વનું ત્રીજુ બેલિસ્ટિક રિસર્ચ સેન્ટર બનાવ્યું

P.R
બે વર્ષ પહેલાં બુલેટપ્રૂફ જેકેટ્સ અને હેલ્મેટની ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં મળેલી અભૂતપૂર્વ સફળતાથી પ્રેરાઈને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)એ હવે વધુ એક સિદ્ધિ મેળવી છે. એફએસએલ દ્વારા આ ક્ષેત્રમાં વધુ એક પગલું આગળ ભરીને ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ)ના સંકુલમાં રૃ. છ કરોડના ખર્ચે એશિયાનું સૌપ્રથમ બેલિસ્ટિક રિસર્ચ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

ગાંધીનગરસ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ)ના સંકુલમાં રૃ. છ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા એશિયાના સૌપ્રથમ બેલિસ્ટિક રિસર્ચ સેન્ટરની મોટાભાગની માળખાકીય સુવિધાઓની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટરમાં મોટા હથિયારયુક્ત વ્હીકલની ચકાસણી કરવા માટેની સુવિધા છે. આ સેન્ટરમાં કર્મચારી સહિતનો સ્ટાફ આગામી એક મહિનામાં કાર્યરત થઈ જશે. આ સેન્ટરને ઊભું કરવા માટે રૃ. છ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વમાં ફ્કત ત્રણ દેશના રાજ્યમાં જ આવી સુવિધા છે. જ્યારે એશિયામાં સૌપ્રથમ આવા પ્રકારનું સુવિધાયુક્ત સેન્ટર ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર સંપૂર્ણપણે સેન્ટ્રલી એરકન્ડિશન્ડ અને સાઉન્ડપ્રૂફ તેમજ ૧પ૦ મીટરની લાંબી શૂટિંગ રેન્જની સુવિધા ધરાવે છે. અત્યાર સુધી એફએસએલ દ્વારા અહીં બુલેટપ્રૂફ જેકેટ્સ, હેલ્મેટ અને વાહન પર લગાવવામાં આવતી પ્લેટનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. અગાઉ હથિયારધારી વાહન ઉપર પ્લેટ લગાવતાં પહેલાં પ્લેટનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ સેન્ટરમાં પ્લેટ લગાડેલા વાહનનું ટેસ્ટિંગ કરી શકાશે.

આ સેન્ટરમાં પિસ્ટલથી લઈને એ.કે.૪૭ અને ઈનસાસ રાઈફલ સુધીનાં હથિયારથી ટેસ્ટિંગ કરી શકાશે. એફએસએલના આ સેન્ટરમાં હથિયારધારી વાહન બનાવનારની જરૃરિયાત મુજબનું ટેસ્ટિંગ શક્ય બનશે. એટલે કે કેટલાક મેન્યુફેક્ચર્સ તેમના વાહન ઉપર માત્ર પિસ્ટલનું ટેસ્ટિંગ કરાવવા માગતા હોય છે તો કેટલાક રાઈફલથી ટેસ્ટ કરાવવા માગતા હોય છે. આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ સેન્ટરને અદ્યતન સુવિધાથી સુસજ્જ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મેન્યુફેક્ચર્સના સ્થળ પરના આઈ વીટનેસની હાજરી સાથે હકીકત મુજબનો ફાયરિંગ ટેસ્ટ કરી શકાશે, તેમજ તેની વીડિયોગ્રાફી પણ કરી શકાશે. આ સેન્ટરમાં ટેસ્ટિંગ માટેના સર્ટિફિકેટ માટે તમામ બાબતની પારદર્શિતા રાખવામાં આવી છે. આ સેન્ટર સરકારી તેમજ વીઆઈપી અને ભારતીય સૈન્યને પોતાની સુવિધા પૂરી પાડતા આર એન્ડ ડી સેન્ટર માટે પણ કામ કરશે. અહીં જરૃરી ચાર્જ લઈને તેમની જરૃરિયાત મુજબ ટેસ્ટિંગ અને સુવિધામાં વધારો-ઘટાડો કરી આપવામાં આવશે.