મંગળવાર, 15 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:12 IST)

જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલિન

સોમવારે જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કથાકાર મોરારિબાપુ પણ હાજર રહ્યા હતા. 88 વર્ષની વયે શનિવારે સાંજે  તેમનું નિધન થયું હતું. જ્યારે રવિવારે બાપાના પાર્થિવ દેહને કાચની પેટીમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. હજારો ભાવિકોએ બાપાના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. બાપાના પાર્થિવ દેહને તેમના પુત્ર ભરતભાઇએ અગ્નિદાહ આપ્યો હતો. જયસુખરામ બાપાના અંતિમસંસ્કારમાં મોરારિબાપુ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. બાપાના નિધનથી વીરપુરમાં બે દિવસ સુધી વેપારીઓએ બંધ પાળ્યો છે. ગઇકાલની જેમ આજે પણ વીરપુર સજ્જડ બંધ છે.  બાપાની અર્થીને તેમના પરિવારજનોએ કાંધ આપી હતી. સાદા લાકડાની સાથે ચંદનના લાકડામાં બાપાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. 
જલારામ બાપાના દીકરા હરિરામ બાપા તેના દીકરા ગીરધરબાપા અને ગીરધરબાપાના સંતાન એટલે જયસુખબાપાની  છેલ્લા 20 દિવસથી નાદુરસ્ત તબીયત હતી. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જયસુખબાપાને ચાર સંતાન છે. એક વીરપુરના હાલના ગાદીપતિ રઘુરામબાપા અને બીજા રાજકોટમાં ફાઇવસ્ટાર કેટેગરીની ઓપ્શન શો રૂમના માલિક ભરતભાઇ. તેમજ પુત્રીમાં શીલાબેન અને કિર્તીબેનનો સમાવેશ થાય છે. જયસુખરામ બાપા જલારામ બાપાના વંશજ હતા. જલારામબાપાના પુત્રી જમનાબેનના પુત્ર કાળાભાઇ  અને તેના પુત્ર હરિરામબાપાના પુત્ર ગીરધરબાપાના તેઓ પુત્ર થતા હતા. વર્તમાન ગાદીપતિ રઘુરામબાપાના તેઓ પિતા હતા જયસુખરામ બાપા બાળપણથી જ સેવાના ભેખધારી હતા. જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં તેઓ સતત સેવા આપવા ખડેપગે રહેતા હતા. આ ઉપરાંત પૂર, ભૂકંપ જેવી કુદરતી હોનારત વખતે દેશ બાંધવોને મદદરૂપ બનવા તેઓ જલારામ મંદિરના નેજા હેઠળ રાહત સામગ્રી, વસ્ત્રો સહિતની સેવા પ્રવૃત્તિ કરતા હતા.