રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 13 ઑક્ટોબર 2014 (16:30 IST)

ગુલાબી ઠંડીનો અનુભવ નહીં થાય, આખો મહિનો ગરમી રહેશે

સામાન્ય રીતે શરદ પૂર્ણિમા બાદ વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અનુભવાતી હોય છે. પરંતુ આ વખતે ઓક્ટોબર મહિનાના અંત સુધી પણ ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના જણાતી નથી. હવામાન ખાતાની આગાહી અનુસાર ઓક્ટોબરના અંત સુધી રાજ્યમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૩૬થી ૪૦ ડિગ્રી વચ્ચે રહી શકે છે. આમ, આ વખતે દિવાળી દરમિયાન પણ હાલ જેવી જ અકળાવનારી ગરમીનો સામનો કરવો પડે તેવી પૂરી સંભાવના છે.

રાજ્યના ત્રણ શહેર ભૂજ, કંડલા, ડીસામાં ૪૦ ડિગ્રી કરતા વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભૂજ ૪૧.૬ ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. ભૂજ અને ડીસામાં હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન ૪૦ ડિગ્રી કરતા વધુ સરેરાશ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. હવામાન ખાતાના મતે 'સામાન્ય રીતે ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યમાં ૩૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાતું હોય છે. જેની સરખામણીએ આ વખતે તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ જ ગરમીમાંથી રાહત મળી શકશે. ' અમદાવાદમાં આજે ૩૮.૦ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. ભારે ગરમીને કારણે અમદાવાદમાં આજે બપોરે ૧૨ઃ૦૦થી ૪ઃ૦૦ દરમિયાન દિવાળીની ખરીદી માટે પ્રમાણમાં ઓછી ભીડ જોવા મળી હતી.


રવિવારે કયા શહેરમાં કેટલું સરેરાશ મહત્તમ તાપમાન?

શહેર                     તાપમાન

અમદાવાદ               ૩૮.૦

ડીસા                       ૪૦.૬

ગાંધીનગર               ૩૭.૦

વડોદરા                   ૩૮.૨

સુરત                      ૩૭.૭

ભાવનગર              ૩૭.૭

રાજકોટ                 ૩૮.૩

સુરેન્દ્રનગર            ૩૯.૫

ભૂજ                      ૪૧.૬

કંડલા                   ૪૦.૪