શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2016 (14:16 IST)

સંસાર ત્યાગી મુમુક્ષુએ દિક્ષા લીધી ને કલાકોમાં જ દેવલોક પામ્યા

રાજકોટમાં એક એવી ઘટના ઘટી હતી જે જૈન સમાજમાં ભાગ્યેજ બનતી હોય છે. ૯ર વર્ષની જૈફ વયે સંસાર ત્યાગી સંયમનો માર્ગ સ્વીકાર્યાની એકાદ કલાકમાં જ સ્થાનકવાસી જૈન સદ્ગૃહસ્થનો સંથારો સીજી ગયો હતો. ગોંડલ ગચ્છના રત્ન ગુરૂભગવંત રાજેશમુનિ મ.સા.ની નિશ્રામાં સંસાર પક્ષે તેમના પિતા ગઢડા નિવાસી જયંતિભાઈ સખપરાને મંગળવારે ૯૧ વર્ષ પૂરા થઈ ૯રમું વર્ષ બેઠું હતું. પોતાના જન્મદિવસે જ તેમણે ૯૧ વર્ષની જૈફ વયે સંસાર ત્યાગી મોક્ષ માર્ગે પ્રયાણ કરવાના નિર્ધાર સાથે ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, તિરૂપતીનગર નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે દીક્ષાનો સંકલ્પ સેવ્યો હતો. તેમની ઉત્કટ ભાવના અને શારીરિક સ્થિતિઓ તપાસી સવારે ૮ : ૪૦ કલાકે જયંતીભાઈને તેમના જ પુત્ર, પૂ. રાજગુરૂભગવંતના શિષ્ય તરીકે જિનેન્દ્રમુની મ.સા. તરીકે નવદિક્ષિત કરાયા હતા. ૯ : ૩૦ કલાકે તેમનો સંથારો રખાયો હતો. જેની કલાક બાદ ૧૦ : ૩પ કલાક આસપાસ જ નવદિક્ષિત જિનેન્દ્રમુનિ મ.સા.નો સંથારો સીજી ગયો હતો. આ સમાચાર મળતા જ ગોંડલ સંપ્રદાયના જૈન અગ્રણીઓ ઉપાશ્રય પહોંચી ગયા હતા. રૂષભદેવ ઉપાશ્રયથી બપોરે ૩ કલાકે ‘જય જય નંદા…જય જય ભદા’ના નાદ સાથે પૂ. જિનેન્દ્રમુનિ મ.સા.ની પાલખી યાત્રા રાજકોટના રાજમાર્ગ પર નીકળી હતી. બાદમાં સાધુ ભગવંતો દ્વારા તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.