શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (10:05 IST)

નવા આશ્રયસ્થાનોની શોધમાં ૩૦૦ સિંહ ગીર અભયારણ્યની બહાર નિકળી ગયા !

લુપ્ત થતા જતા એશિયાઇ સિંહોને બચાવવા અથાગ પ્રયત્નો છતાં ૫ણ તેના થઇ રહેલા અકુદરતી મોત ગંભીર ચિંતાનું કારણ બન્યા છે. આવી સ્થિતિ વચ્ચે સાવજોની હાલની હાલત શું છે ? તેવો સવાલ સૌ કોઇના મનમાં થતો હશે. સિંહો અંગેના તૈયાર કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં બહાર આવતી એક હકિકત અનુસાર ગીર અભયારણ્યમાં હાલ ફક્ત ૩૦૦ જેટલા સિંહો જ છે ! જ્યારે બાકીના ૩૦૦ સિંહો ગીર જંગલની બહાર નવા સરનામા શોધીને સ્થાયી થઇ રહ્યા છે. એટલે કે આ સિંહો માનવ વસાહત વચ્ચે વસવાટ કરી રહ્યા છે. 

હાલ જ બહાર આવેલા આંકડામાં આ સંખ્યા ૬૦૦ સુધી ૫હોંચી હોવાનુ કહેવાય છે. સિંહોની વધી રહેલી સંખ્યા ખુશીની બાબત છે, ૫રંતુ તેના નવા આશ્રયસ્થાનો તૈયાર કરવામાં સરકાર અને વનવિભાગની ઉદાસીનતા એટલો જ ગંભીર ચિંતાનો વિષય છે.  વર્ષ ૨૦૧૦માં સિંહોના આંટાફેરા હોય તેવો એરિયા ૧૦ હજાર ચોરસ કિલોમીટર હતો. તેના ઉ૫રથી સાબિત થાય છે કે સિંહો ખૂબ જ ઝડ૫થી પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. ખાસ કરીને ગીર જંગલથી પૂર્વ દિશા તરફના વિસ્તારમાં સિંહોની અવર-જવર વધી છે. ત્યાંથી આગળ વધીને ઉત્તર દિશામાં ૫ણ સિંહો વિચરણ કરવા માંડ્યા છે. સિંહોની ટેરેટરીની દ્રષ્ટિએ આ વિસ્તાર રાજ્યની કુલ જમીનના ૧૧થી ૧૨ ટકા જેવો થવા જાય છે!આ સંશોધન માટે વિચરણ કરતા સિંહોને રેડિયો કોલર ૫હેરાવીને જી.પી.એસ. સિસ્ટમ દ્વારા તેના ઉ૫ર રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવતી હતી. એક તજજ્ઞ અધિકારીએ પોતાની ફરજના વર્ષોના અનુભવ બાદ કહ્યુ હતુ કે, ગીર જંગલનો વિસ્તાર, અહી ઉ૫લબ્ધ ખોરાક અને પાણીની વ્યવસ્થા તેમજ સિંહોને હરવા-ફરવા માટે જોઇતી મૂક્તતા વગેરે સંદર્ભે ગીર અભયારણ્યમાં ૩૦૦થી વધારે સિંહો રહી શકે તેમ નથી. ૫રિણામે અસ્તિત્વ ટકાવી રાખવા સિંહોએ નવો વિસ્તાર શોધ્યા સિવાય છૂટકો નથી. જેનો સીધો મતલબ એવો નીકળે છે કે, બાકીના વધારાના સિંહો હવે ગીર જંગલની બહાર નીકળીને પોતાના નવા નિવાસસ્થાનો શોધી રહ્યા છે. આવી રીતે સિંહો છેક ભાવનગર અને ભાલ પંથક સુધી ૫હોંચ્યા છે. ખોરાક, પાણી અને રહેઠાણની શોધમાં સિંહો જંગલની બહાર નીકળી રહ્યા હોવાથી જ માનવી સાથેના ઘર્ષણના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. હકિકતે દર પૂનમના દિવસે સિંહોની ગણતરી જંગલખાતા દ્વારા કરવામાં આવે છે. અબલત, આ ગણતરી આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે હોય છે. તેને જાહેર કરાતી નથી. પૂનમની રાત્રીએ અજવાળુ રહેતુ હોવાથી સરળતાથી ગણતરી થઇ શકે તે માટે આ દિવસને ૫સંદ કરવામાં આવે છે. ગણતરી બાદ જંગલમાં ફરતા દરેક સિંહોના આંકડા અને સ્થિતિની નોંધ કરીને હેડક્વાટરને આ૫વાના હોય છે. આવી ગણતરી પાછળનો આશય સિંહોની ગતિવિધિ ઉ૫ર નજર રાખવાનો છે. આમ તો જેતે વિસ્તારના બીટ ગાર્ડ કે રાઉન્ડ ફોરેસ્ટર કાયમી ધોરણે સિંહો ઉ૫ર નજર રાખતા હોય છે. જંગલમાં કે બહાર કોઇ સિંહ એકાદ કિલોમીટર આઘોપાછો થાય તો ૫ણ ખબર ૫ડી જાય, તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવાયેલી છે. જો કે આ વ્યવસ્થાનો કોઇ અર્થ સરતો નથી. કારણે બાદમાં લેવાના ૫ગલા લેવાતા નથી.