શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (14:43 IST)

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં બે સગા ભાઇઓ સહિત વડોદરાના 5 દોષિતને ફાંસીની સજા

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો છે. જેમાં વડોદરાના પાંચ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે. દોષિતોમાં વડોદરાના બે ભાઇઓ પણ સામેલ છે. કોર્ટે વડોદરાના 4 દોષિતને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે એક દોષિત મોહંમદ ઉસ્માનને સૌથી વધુ 2.88 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનિય છે કે, 5 પૈકી એક દોષિત ઇકબાલ શેખે ઠક્કરનગરમાં બોમ્બ સાથેની સાઇકલ મૂકી હતી અને AMTSની બસ નં. 150માં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. વર્ષ 2008ની 26 જુલાઇના રોજ અમદાવાદમાં શહેર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું હતું.

જેમાં 54 લોકોના મોત થયા હતા અને 200થી વધુને ઈજા થઈ હતી. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટિઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યાં હતા. આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતા તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યાં હતા. આ સમગ્ર કેસમાં વડોદરાના બે ભાઇઓ કયામુદ્દીન કાપડિયા અને રફીયુદ્દીન કાપડિયા સહિત પાંચને કોર્ટે દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે.બ્લાસ્ટ કેસમાં સફદર નાગોરીની અટકાયત કરવામાં આવ્યાં બાદ તેની તપાસમાં વડોદરાના કયામુદ્દીનનું નામ ખુલતા પોલીસે તેની ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી અને બનાવમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ સહિત વડોદરામાંથી કુલ ચાર આરોપીની ધરપકડ કરી હતી.