મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જુલાઈ 2023 (18:07 IST)

રાજ્યમાં 47.97 કરોડના ખર્ચે 68 નવા પશુ દવાખાના બનશે, 7 લેબોરેટરી, 10 પોલીક્લિનિકનું નવીનિકરણ થશે

- 7 પશુરોગ નિદાન લેબોરેટરી, 10 વેટરીનરી પોલીક્લીનીકને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા એક કરોડ મંજૂર
- પશુપાલન ખાતાની કચેરીઓ ખાતે 50  લાખના ખર્ચે 10 ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરાશે
 
ગાંધીનગરઃ ગુજરાતમાં પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ ગુણવત્તાયક્ત અને અદ્યતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. પશુ સારવાર સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે 2023-24માં 47.97 કરોડના ખર્ચે રાજ્યની 21 જિલ્લા પંચાયતો હેઠળ અદ્યતન સુવિધા સાથેના પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના 68 નવીન બાંધકામ અને જરૂરી મરામતના 5 કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયા છે.
 
2023-24માં રૂપિયા એક કરોડની મંજૂરી
રાઘવજીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લીનીકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની 7 પશુ રોગ નિદાન લેબોરેટરી અને 10 વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.
 
50 લાખના ખર્ચે 10 ડીજીટલ ડેસ્ક
રાઘવજીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઇ રહેલી કામગીરીની માહિતી પશુપાલકોને ઘરબેઠાં મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીનાં ટેરવે જ મળી રહે, પશુપાલકોને વિડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉતમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં 50 લાખના ખર્ચે 10 ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરવા પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
 
 વર્ગ-2ની 6 અને વર્ગ-3ની 9 જગ્યાઓ મંજુર
આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-2ની 6 જગ્યાઓ અને વર્ગ-3ની 9 જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન મંત્રીએ ઉમેર્યું હતું.