રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જુલાઈ 2023 (14:18 IST)

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી, એકનું મોત

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતાં પનાચે નામની રહેણાંક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટવાની ઘટનામાં સાઇટ પર કામ કરતાં સુપરવાઈઝર યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું છે. અમદાવાદ અને ગાંધીનગરની ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી વહેલી સવારે સુપરવાઈઝરનો મૃતદેહ કાટમાળ વચ્ચેથી બહાર કાઢ્યો હતો. જ્યારે આ દુર્ઘટનામાં બે મજૂરોને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 
પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શુક્રવારે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ આ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર સ્લેબ ભરવાનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક જ સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલા અને એક પુરુષને ઈજા થઈ હતી. જેથી આસપાસના મજૂરો ત્યાં દોડી આવ્યા હતા. બંનેને મજૂરોએ જેમ તેમ કરીને બહાર કાઢી લીધા હતા. 
 
મજુરોને હાથે અને પગે તેઓને ઈજા થઈ હતી સાથી કામદારોએ તેઓને ત્યાં બેસાડ્યા હતા.સુપરવાઇઝર સવન પ્રજાપતિ સાઈટ પરથી ગુમ હોવાથી તે પણ સ્લેબના કાટમાળ નીચે દટાયો હોવાની આશંકાને પગલે હેવી મશીનરીથી સ્લેબ હટાવવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આખી રાત ફાયરબ્રિગેડે ઓપરેશન કરતા વહેલી સવારે સવન પ્રજાપતિનો મૃતદેહ કાટમાળ નીચેથી મળી આવ્યો હતો.