ગુજરાતમાં ચાંદીપુરા બાદ એક ભેદી બીમારીએ માથું ઉંચક્યું, કચ્છમાં 5 દિવસમાં 14 લોકોના મોત
ગુજરાતમાં ચાંદીપુરા બાદ હવે એક ભેદી બીમારીએ માથું ઉંચક્યું છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આજે વધુ 2 લોકોના શંકાસ્પદ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યાં છે. હાલ લખપત અને અબડાસા તાલુકાના કુલ 6 અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની 27 ટીમ દ્વારા પરિજનોના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે કરેલી તપાસ દરમિયાન 27 લોકોના બ્લડ સેમ્પલ લેવાયા હતા, તેમાં ડેંગ્યુ 1, સીઝનલ ફીવર 1 અને ઝેરી મલેરિયાના 2 દર્દી રિપોર્ટમાં પોઝિટિવ જણાઈ આવ્યા હતા.
બ્લડ સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે
જિલ્લા રોગ નિયત્રણ અધિકારી કેશકુમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, લખપત તાલુકાના 4 ગામ અસરગ્રસ્ત છે, તેમાં ભેખડા, મેડી, સાંધરો અને મોરગર જ્યારે અબડાસાના બે ગામ છે તેમાં ભારા વાંઢ અને વેળી વાંઢ. આ તમામ છ ગામોમાં આરોગ્ય ટીમ દ્વારા જરૂર જણાય ત્યાં દર્દી અને તેમના પરિજનોના પણ બ્લડ સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય માટે રાજકોટથી ખાસ રેપીડ રિસ્પોસન્સ ટીમ ગઈકાલે જ દયાપર પહોંચી છે. રિપોર્ટ દયાપર ખાતે જ કરાઈ રહ્યા છે. જ્યારે શંકાસ્પદ H1H2ના સેમ્પલ અમદાવાદ અને કોંગો ફીવરના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટના આધારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેની માહિતી ગાંધીનગર કચેરીએ મોકલવામાં આવે છે.
ગંભીરતા નહીં લેવાના કારણે આટલા મોત થયા- કોંગ્રેસ
શંકાસ્પદ મોત મામલે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ મામલાને ગંભીરતાથી લો પણ ગંભીરતા નહીં લેવાના કારણે આટલા મોત થયા છે. માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ન હોઈ શકે. દુઃખ એ વાતનું છે કે, ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલ્યું નથી. લોકોના જાનમાલ અને આરોગ્યના રક્ષણની જવાબદારી સરકારની છે આ પ્રકારની બેદરકારી ન ચાલે.