મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (16:36 IST)

અમદાવાદ અને સુરત બાદ હવે ગાંધીનગરમાં પણ ઓરીનો હાહાકાર, વાલીઓ બાળકોને લઈ ચિંતા વધી

measles
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નવેમ્બરમાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન  1650 બાળકોને ઓરી થયા છે જ્યારે 9 બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધુ બાળકોના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં હવે ઓરીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ઓરીના કેસને લઈને વાલીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અમદાવાદ શહેરના દાણીલીમડા, વટવા, લાંભા, ગોમતીપુર અને રખિયાલ, જુહાપુરામાં ઓરીના કેસો વધ્યા છે. શહેરના કુલ 25 જેટલા વિસ્તારોમાં ઓરીના કેસોનું પ્રમાણ જોવા મળ્યું છે. ઓરીના કેસો વધતાં જ AMCના આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યાં છે અને બાળકોને ઓરીની રસીનો વધુ એક ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે પણ બાળકોમાં કોરીના શંકાસ્પદ જણાય તેઓને વિટામિન-Aનો પણ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

શહેરમાં ઓક્ટોબર મહિનામાં 112, નવેમ્બરમાં 170 અને ચાલુ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી 50 જેટલા કેસો નોંધાયા છે. ચાલુ વર્ષમાં કુલ 491 જેટલા કેસો નોંધાયા છે.સુરતમાં પણ ઓરીના કેસો જોવા મળી રહ્યા છે.  સુરતના ઉધના અને લિંબાયત ઝોન વિસ્તારમાં ઓરીના દર્દીઓની સંખ્યામાં વધારો દેખાતા પાલિકાએ બાળકોને વેક્સીનેશન ત્વરિત કરવામા આવે તેવી અપીલ કરી છે. સુરતમા છેલ્લા કેટલાક દિવસમાં ઓરીના 100થી વધુ કેસ નોધાયા છે. ઉધના અને લિંબાયત વિસ્તારના બાળકોમાં આ કેસ વધુ જોવા મળી રહ્યાં છે. આ બન્ને ઝોનમાં ઓરીના કેસમાં ચિંતાજનક ઉછાળો જોતાં પાલિકા તંત્ર એલર્ટ થઈ  ગયું છે. પાલિકા તંત્રએ લોકોને અપીલ કરીને બાળકોને ઓરી સામે રક્ષણ આપતી વેક્સીન ત્વરિત મુકાવવામા આવે તેવી અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લામાં ઓરીના કેસો મળી આવતાં તંત્ર દોડતું થયું છે. કલોલ તાલુકામાં ઓરીના 15 બાળ દર્દીઓ મળી આવ્યા બાદ હવે જમિયતપુરામાંથી પણ પાંચ બાળ દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓરીના જે કેસો આવ્યાં છે તે વિસ્તારને રોગચાળાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અસરગ્રસ્ત વિસ્તારના 511 ઘરોની 2 હજાર 668 વસ્તીને આવરી લઈ ચાર ટીમો દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવાઈ છે.