સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , ગુરુવાર, 8 જૂન 2023 (00:01 IST)

મોરબી પુલ હોનારત બાદ સરકાર સફાળી જાગીઃ 35 હજારથી વધુ પુલોની સમીક્ષા હાથ ધરાઈ

morbi
અત્યંત ભયજનક 12  પુલો પર ટ્રાફિક બંધ કરાયો, હવે તેનું પુનઃબાંધકામ કરાશે
 
ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી 121ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે 116 પુલોનુ મજબૂતીકરણ કરાશે
 
 મોરબી પુલ હોનારત બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. લોકોના જીવને જોખમ ઉભુ થાય તે રીતે બ્રિજ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ વડોદરામાં પણ ગત ડિસેમ્બરમાં તૈયાર થયેલા અટલ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી થતાં લોકોમાં સવાલો ઉભા થયાં છે. ત્યારે સરકાર સફાળી જાગી છે અને રાજ્યના 35 હજારથી વધુ બ્રિજની સમિક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
 
121 પુલોની મરામતની કામગીરી પૂર્ણ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મોરબી પુલ હોનારત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર રાજ્યના 35,731 પુલોની સમીક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેમાં મરમતની જરૂર હોય તેવા 121 પુલોની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, સરવેમાં જે 12 પુલો ભયજનક જણાયા હતા, ત્યાં ટ્રાફિકની અવરજવર બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. 
 
12 પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરાયુ
ઋષિકેશ પટેલે  ઉમેર્યું હતું કે, અન્ય 12 પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરી ટ્રાફિક ચાલુ રખાયો છે. આ તમામ 24 પુલોના પુનઃબાંધકામ માટે 145.64 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેમજ 116 પુલોનું 151.41 કરોડનો ખર્ચ મંજૂર કરી મજબૂતીકરણ કરવા માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલોના પુન:બાંધકામ તથા મજબુતીકરણ માતે 297 કરોડ ફાળવવામાં આવેલ છે.