શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (16:12 IST)

અમદાવાદના પડઘા રાજ્યભરમાં પડ્યા, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કુલ 2100 મોટી હોસ્પિટલ આવેલી છે અને તેમાંથી ફાયર એનઓસી (NOC)માત્ર 91 પાસે જ છે. તેના પરથી જ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તંત્રમાં કયા પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે. 
 
અમદાવાદની મ્યુનિ. અને સરકાર હસ્તકની 13 મોટી હોસ્પિટલો આવેલી છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા હોસ્પિટલ, સોલા સિવિલ, એસ.વી.પી., શારદાબહેન હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, બાપુનગર જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
 
અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની પડઘા સુરત, વડોદરા, રાજકોટ, અરવલ્લી, હિંમતનગર, ભાવનગરમાં પણ જોવા મળી રહી છે. રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત મ્યુનિ. વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી તમામ 45 હોસ્પિટલમાં મ્યુનિ. તંત્રએ ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપતાંની સાથે જ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.  
 
વડોદરાનું ફાયર બ્રિગેડ તંત્ર એક્શનમાં આવ્યું છે.ફાયર બ્રિગેડે શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડ તેમજ આઇસીયુના ઇમરજન્સી વોર્ડમાં માં ચેકિંગ હાથ ધર્યું. ફાયર વિભાગે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટ મહાનગરના ફાયર ઓફિસરોએ કોવિડ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યાં એનઓસી મામલે ચીફ ફાયરના ઓફિસરે જણાવ્યું કે શહેરની 14 કોવિડ હોસ્પિટલમાંથી ફક્ત 5 હોસ્પિટલ પાસે જ એનઓસી છે.સાથે જ 10 જેટલી એનઓસી માટેન અરજી આવેલી છે.