શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જૂન 2019 (12:28 IST)

એઇમ્સ હોસ્પિટલના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારે તેવી શક્યતાઓ

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ટર્મમાં રાષ્ટ્રિય કક્ષાની અતિ આધુનિક આરોગ્ય સુવિધા અને ટેલન્ટ ધરાવતી એઇમ્સ હોસ્પિટલ આપવાનું જાહેર કર્યુ હતું. આ એઇમ્સ હોસ્પિટલના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે એવા નિર્દેશ મળે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકાર્પણ પ્રસંગે આવેલા સાંસદ મોહન કુંડારિયાના જણાવ્યા મુજબ રાજકોટ કે સૌરાષ્ટ્ર નહી સમગ્ર ગુજરાતને ગૌરવ લેવા સમાન એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થશે.

આ હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયા થોડા સમયમા પૂર્ણ થશે ત્યાર બાદ તેના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રીત કરવામાં આવશે. કુંડારિયાએ જણાવ્યુ હતું કે વડાપ્રધાનને રાજકોટ અને ગુજરાત માટે સ્વાભાવિક વિશેષ પ્રેમ છે. એક વખત એઇમ્સની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને ભૂમિ પૂજનનો સમય આવશે ત્યારે વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન થાય એવી મારી લાગણી છે. આ માટે વડાપ્રધાનને આમંત્રણ આપી તારીખ માગવામા આવશે. મને આશા છે કે વડાપ્રધાન રાજકોટ આવશે. મોદી સરકારના પ્રથમ પાંચ વરસમાં ગુજરાતમાં અનેક પ્રોજેકટ મંજુર થયા છે. જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રને પણ મહત્વના પ્રોજેકટ મળ્યા હતાં જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એઇમ્સ રાજકોટને આપવાની જાહેરાત સૌથી મહત્વની રહી હતી. એઇમ્સ માટે તો જયારે પસંદગીની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વડોદરા દ્વારા પણ મજબુત દાવેદારી થઇ હતી. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતનમાં એઇમ્સ મળે એ માટે રાજકિય  લોબીંગ થયુ હતું તેને સફળતા મળી હતી.