ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભામાં શાસક અને વિપક્ષ વચ્ચે રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી અને અન્ય પ્રકાશમાં આવેલા બનાવટી મુદ્દાઓને લઈને તકમક ઝરી હતી. વિપક્ષના ધારાસભ્યો સુત્રોચ્ચાર કરીને વેલમાં ધસી આવ્યા હતાં. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કરતાં અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા હતાં. ત્યારબાદ સસ્પેન્શનના હૂકમને રદ કરવા વિપક્ષે માંગ કરી હતી.
અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા
વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે,ગુજરાતની પ્રજાના પરેસવાના ટેક્સના પૈસા પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઇએ. 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળાપીપણાંથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? અમે જ્યારે વોક આઉટ કરી રહ્યા હતા ત્યારે મંત્રીએ ઉભા થઈ અમે તેનો જવાબ આપીએ છીએ એમ કહીને રોક્યા તો અમે રોકાયા હતા. ફરી અમે અધ્યક્ષને વિનંતી કરી કે ઉડાઉ જવાબ આપે છે. જૂના કૌભાંડોની વાત કરે છે પણ આઠ વર્ષથી નકલીનું રાજ ચાલે છે તેની વાત કરતા નથી.
સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરાબર
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી જગ્યા પર જ ઉભા હતા વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું ફક્ત અને ફક્ત નકલીકાંડને ખુલ્લો પાડવા નિયમોને આધીન વિરોધ પ્રદર્શન કર્યું છે. બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરાબર છે.અમને પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય એનો અમને બોલવાનો અધિકાર છે. એ અધિકાર ના વાપરી શકીએ એટલે બહુમતીના જોરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બીજી માગણીની ચર્ચા છે.
પ્રશ્નોત્તરી કાળમાં અવરોધ સર્જાતા ગૃહમાંથી બહાર મોકલી દેવાયા
આ બાબતે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં આગળ કોઈ પણ પ્રકારની પ્રવૃતિ ચાલતી હોય તો તે પ્રવૃતિમાં સુઓમોટો કરી એક્શન લીધી છે. સરકારના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જો કોઈ પ્રવૃતિ થતી હોય એના ઉપર સરકારે સુઓમોટો લઈ પગલા લીધા છે. અત્યારે ગૃહની અંદર સારી રીતે પ્રશ્નોના જવાબની ચર્ચા થતી હતી, પરંતુ ક્યાંકને ક્યાંક એમને આખા સત્ર દરમિયાન વોકઆઉટ કરવું, નિવેદનો આપવા એ તક નહોતી મળી. એટલે જાતે જ આ મુદ્દો ઉપસ્થિત કર્યો. પ્રશ્નોતરી જેવા મહત્વના કાળમાં પ્રશ્નોની પણ ચર્ચા ન થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દૃષ્ટીએ આ યોગ્ય છે.