સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (12:41 IST)

રાધનપુરમાં ભાજપમાં ભળી ગયેલા અલ્પેશ ઠાકોર સામે ભારે વિરોધ

રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાંથી ગત ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને તમામ સમાજના લોકોએ ભારે મતદાન કરીને જીતાડ્યા હતા.પરંતુ આ વિસ્તારની જનતા સાથે અને કોંગ્રેસ સાથે દ્રોહ કરીને તેઓ ભાજપમાં ભળી જતાં તમામ સમાજોમાં અને વિશેષ કરીને ઠાકોર સમાજમાં નારાજગી બહાર આવી રહી છે. ઠાકોર સમાજના અગ્રણીના જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોરને ઠાકોર સમાજે 100-100 રૂપિયા ઉઘરાવીને જીતાડ્યા હતા,પરંતુ અમને ધક્કો મારીને ભાજપમાં જતા રહ્યાં...જો ફરીથી અહીં ચૂંટણી લડવા માટે આવશે તો અમે તેમને ધક્કો મારીને કાઢી મુકીશું.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં ભળી જઈને ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દેતા રાધનપુર વિસ્તાર હાલમાં ધારાસભ્ય વિનાનો બની ગયો છે. વિધાનસભાની પેટા ચૂંટણીના બ્યુગલ વાગવાની તૈયારીઓ છે ત્યારે ભાજપ - કોંગ્રેસ લોકસંપર્ક કરી રહ્યા છે.પાલિકાના સેનીટેશન વિભાગના ચેરમેન કોંગ્રેસના આગેવાન હરદાસભાઇ આહિરને કમાલપુર જિ.પં. બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.તેમણે પણ કહયું કે અલ્પેશને હવે ખબર પડી જશે કે કઇ રીતે જીતાય છે.કોઇના ફોન ઉપાડ્યા નથી અને કામો કર્યા નથી.
ભાજપના ઉમેદવાર તરીકે હાલમાં પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નામો છે .જો કે કોંગ્રેસમાં હરદાસભાઇ આહીર,ગોવિંદજી ઠાકોર,નવીનભાઈ પટેલ,ડી.ડી.ચૌધરી સહીત 17 જેટલા લોકોએ ચૂંટણી લડવા રજુઆત કરી હોવાનું જાણવા મળે છે. રાધનપુર ખાતે લોકસંપર્ક કરતા પ્રભુભાઈ હીરાભાઈ ઠાકોરે જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોરથી લોકો નારાજ છે,પક્ષપલટો કરીને લોકો સાથે તેમણે ગદ્દારી કરી છે.ધારાસભ્યપદે બે વર્ષ રહ્યા પરંતુ કોઈ જ કામગીરી કરી નથી.તેમણે કાર્યકરોને વિકાસ કામોના નામે આપેલા લેટરપેડ આજે કાર્યકરોના ઘરે રઝળી રહ્યા છે અને સાચા ઠેકાણે પહોંચ્યા જ નથી.