શ્રીનગરના અનંતનાગમાં ત્રાસવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સ બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. બસના ડ્રાઇવર સલીમ શેખ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પણ ખ્યાલ આવી ગયો હતો કે ત્રાસવાદી હુમલો છે. બસની આગળ 25 ત્રાસવાદીઓનો ઘેરો હતો. પણ બસ ચલાવાનું બંધ ના કર્યું અને પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડમાં બસ હાંક્યા પછી આર્મીની ગાડી મળી હતી.
એક ત્રાસવાદી તો બસમાં ચઢવા જતો હતો. કન્ડકટર હર્ષ દેસાઈએ તેને ધક્કો મારીને બહાર ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. તે અંદર ઘૂસી ગયો હોત તો એકેય બાકી ન બચ્યાં હોત. લગભગ 25 જેટલા ત્રાસવાદીઓએ ધડાધડ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. જાણે વીડિયો ગેમ રમતાં હોય તેમ મન ફાવે તેમ ગોળી વરસાવતા હતા. મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાલ આવતાં જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી. પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી. તેઓ તરત જ આતંકીઓને પકડવા રવાના થયા, પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતાં.