મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (15:17 IST)

બોપલના પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંની ગાર્લિક બ્રેડમાંથી નીકળી જીવાત

અમદાવાદ શહેરમાં અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંમાં ખાવા ગયેલા એક વ્યક્તિના પિઝામાંથી જીવાત નીકળી હોવાના ફોટો અને વીડિયો સામે આવ્યાં હતાં.

યુવકે પિઝા અને ગાર્લિક બ્રેડ સહિતની વસ્તુઓ જ્યારે ખાવા માટે મંગાવી ત્યારે તેમાંથી જીવાત નીકળી હતી. આ મામલે જ્યારે યુવકે ફરિયાદ કરી અને બિલ માગ્યું તો પાણીનું બિલ આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરાતાં ફૂડ વિભાગની ટીમે પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખૂબ જ ગંદકી અને લાઈસન્સ વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

જેના પગલે ફૂડ વિભાગ દ્વારા પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંને સીલ કરવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ શહેરના બોપલ વિસ્તારમાં બ્રિજ નીચે પાપા લુઈસ પિઝા રેસ્ટોરાં આવેલું છે. આજે બપોરે સાણંદ વિસ્તારમાં રહેતો હેત્વર્થ રાવલ નામનો યુવક તેના મિત્ર સાથે પાપા લુઈસ પિઝામાં અનલિમિટેડ પિઝા ખાવા માટે ગયા હતા. આ દરમિયાન તેમણે પોટેટો ફ્રાય, પિઝા, ગાર્લિક બ્રેડ સહિતની વસ્તુઓ મંગાવી હતી. જો કે, ખાવાની વસ્તુઓમાં ગુણવત્તા નહિવત હતી અને તેમાં જીવાત નીકળી હતી. ખાવાની વસ્તુમાં જીવાત જોવા મળતા તેમણે ખાવાનું પણ તપાસ્યું હતું. જેમાં તેમને કેટલાક સડેલા બટેકા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આમ આ મામલે પાપા લુઈસ પિઝા આઉટલેટના સ્ટાફને ફરિયાદ કરી હતી અને જમવા માટેનું બિલ માંગ્યું હતું. જોકે, તેમણે જમવાનું બિલ આપ્યું નહોતું. ફૂડ બિલ માફ કરી તેઓએ માત્ર પાણીની બોટલના 30 રૂપિયાનું જ બિલ આપ્યું હતું.આ મામલે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા તેઓની ટીમ પાપા લુઈસ પિઝા રેસ્ટોરાં પર પહોંચી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા રેસ્ટોરાંના રસોડા સહિતની જગ્યામાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં તેમને રસોડામાં ગંદકી જોવા મળી હતી. અનહાઈજનિક કન્ડિશન ત્યાં જોવા મળતા ફૂડ વિભાગની ટીમ પણ ચોંકી ઊઠી હતી. તેઓની પાસે ફૂડનું લાઈસન્સ માંગવામાં આવ્યું હતું. પરંતુ પાપા લુઈસ પિઝા સેન્ટર દ્વારા લાઈસન્સ લેવામાં આવ્યું નહોતું. જેથી અનહાઈજેનિક કન્ડિશન અને લાઈસન્સ વગર ચાલતા આ રેસ્ટોરાંને સીલ મારવામાં આવ્યું હતું.