સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (10:32 IST)

આંકડાની માયા જાળ: ચિકનગુનિયા, કમળો ગાયબ ! સિવિલ હોસ્પિટલની દર્દીઓની ભીડે ખોલી તંત્રની પોલ

civil hospital
સામાન્ય રીતે શિયાળો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. લોકો શિયાળામાં વધુ કસરત કરે છે. મોનિંગ વોક સહિતની એક્ટિવિટી કરતા હોય છે. પરંતુ તેમછતાં  શિયાળો જામતાની સાથે જ રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. તાવ, શરદી અને ઉધરસના કેસ 300ને પાર પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાપ્તાહિક આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ચિકનગુનિયા, ટાઇફોઇડ અને કમળાના એક પણ કેસ નોંધાયો નહોતો !!
 
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, તાવ - 43 કેસ, ઝાડા-ઉલટીના - 60 કેસ, શરદી-ઉધરસના - 212 કેસ, ડેંગ્યુના - 10 અને મલેરિયાનો 1 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 14479 ઘરોમાં પોરા નાશક કામગીરી, 865 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 344 ઘર અને 89 કોમર્શિયલ આસામીઓને મચ્છર ઉત્પતિ મામલે નોટિસો ફટકારી હતી. 
 
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર આંકડા અને સિવિલ હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો રોગચાળો હોવા છતાં તંત્ર દ્વારા ઓછો આંક બતાવી સ્થિતિ કાબુમાં હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસ જેવા રોગનું નિદાન કરાવવા દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ તો માત્ર સિવિલ હોસ્પિટલની વાત થઈ. હજુ આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનાના આંકડા લેવામાં આવે તો આંખો ખુલ્લી રહી જાય તેવી વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે છે.