શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 નવેમ્બર 2019 (10:32 IST)

ગુજરાતના આ શહેરમાં બનશે દુનિયાનું પ્રથમ CNG port ટર્મિનલ, સરકારે આપી મંજૂરી

ભાવનગરમાં CNG port terminal બનાવવામાં આવશે. રાજ્ય સરકારે 1900 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ટર્મિનલને બ્રિટનના મુખ્યાલયવાળા ફોરસાઇટ ગ્રુપ અને મુંબઇના પદ્મનાભ મફતલાલ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવશે. વિજય રૂપાણીના નેતૃત્વવાળા ગુજરાત સંરચના વિકાસ બોર્ડે આ ટર્મિનલ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ દુનિયાનું પ્રથમ સીએનજી પોર્ટ ટર્મિનલ હશે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો એક નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરવાની નેમ સાથે  મહત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની  ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. આ પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, યુ. કે. સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં ૧૯૦૦ કરોડના મૂડી રોકાણથી સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. જી.આઈ.ડી.બી.ના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે.
 
વિશ્વના સૌ પ્રથમ આ સી.એન.જી. ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક  ૧.૫. મિલીયન મેટ્રીક ટનની હશે. આ સી.એન.જી. ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે ૨૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં હાલ બે એલ.એન.જી. ટર્મિનલ દહેજ અને હજીરામાં કાર્યરત છે. હવે આ પ્રથમ 
સી.એન.જી. ટર્મિનલની મંજુરીને પરિણામે ગુજરાત એલ.એન.જી. અને સી.એન.જી. બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ પણ મેળવશે.
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક ૩ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે. ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરીય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે.
 
આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની  કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક ૯  મિલિયન મેટ્રીક ટન થશે. જેમાંથી  ૬ મિલિયન આ પ્રોજેકટની હશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુ. કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રૂા. ૧૩૦૦ કરોડ અને બીજા તબક્કામાં રૂા. ૬૦૦ કરોડ મળી સ્વીસ ચેલેન્જ રૂટ મારફત કુલ રૂા.૧૯૦૦ કરોડનું મૂડી રોકાણ કરશે. આ દરખાસ્તને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે.
 
ટુંક સમયમાં રાજય સરકારની Boot Policy 1997 અંતર્ગત સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ થશે. ફોરસાઇટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આટર્મિનલ સ્થાપવા માટે જરૂરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબીલિટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સી.એન.જી. વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિના પરિણામ સ્વરૂપ આ પ્રોજેકટમાં રૂા. ૫૦૦ કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે.
 
આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને  નેશનલ હાઇવે જોડાયેલા છે. જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે. આમ, સમગ્રતયા ટર્મિનલ બંદરીય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમા ચિહ્ન બની રહેશે. રાજાશાહી સમયમાં કાર્ગો પરિવહનથી ધમધમતા ભાવનગર બંદરની જાહોજલાલી આ પ્રોજેકટ આવતા પુનરાગમન થશે. અલંગશીપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે સી.એન.જી. ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકીત થવા જઇ રહ્યું છે તે ગુજરાત રાજય માટે એક ગૌરવરુપ વિકાસની ઘટના બની રહેશે.