રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (09:52 IST)

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી કોલ્ડવેવની આગાહી, અન્ય વિસ્તારોમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની શક્યતા

ઠંડીનું જોર વધ્યું
 
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી કોલ્ડવેવની આગાહી, અન્ય વિસ્તારોમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની શક્યતા
ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું
 
ગુજરાતમાં આખરે શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે અને ગત રાત્રિએ મોટાભાગના સ્થળોએ પારો 18 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. નલિયામાં 6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આવનારા 5 દિવસ કાતિલ ઠંડી પડશે. જેમાં 16,17,18 ડિસેમ્બરે હાડ થીજાવતી ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે.
 
નલિયામાં સૌથી નીચું 6 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે ગાંધીનગર, ડીસા, રાજકોટ સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ. ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી કોલ્ડવેવ રહેવાની શક્યતાઓ છે. તેમજ 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તથા અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં પારો ગગડતાં 6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે.  
 
ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો સ્થિર
મહેસાણા, પાટણી, અને બનાસકાંઠામાં તાપમાનનો પારો અંદાજિત 11 ડિગ્રી નોંધાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતાં. બીજી બાજુ સાબરકાંઠામાં 12 ડિગ્રી અને અરવલ્લીમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ડિસામાં વર્ષનું સૌથી નીચું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણો વાતાવરણમાં પલટો આવ્યાં બાદ તાપમાન સ્થિર થયું હતું. ત્યારબાદ ઉત્તર ગુજરાતના લઘુતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. 
 
આબુના રસ્તાઓ પર બરફની ચાદર
કોરોનાના કેસ ઘટતા હાલમાં હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કપલોની સંખ્યા વધી છે. બીજીતરફ આબુમાં ઠંડીનો પારો દિન-પ્રતિદિન ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં બે દિવસ પહેલાં તાપમાન 0 ડિગ્રી હતું. જેના કારણે અનેક રસ્તાઓ, ઝાડ તેમજ વાહનો પર બરફના પડ જામી ગયા હતા. જેના કારણે લોકો વહેલીવારે આબુમાં રસ્તાઓ પર બરફની ચાદર પર મોજમસ્તી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.
 
ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.