વડોદરા નજીક કોમી અથડામણ: લગ્નમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ, અનેક લોકોની અટકાયત
ગુજરાતના વડોદરા જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા સામે આવી છે. એવું કહેવાય છે કે વડોદરા જિલ્લાના સમિયાલા ગામમાં કોમી અથડામણ થઈ હતી જે બાદ બે ડઝનથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસને શુક્રવારે મોડી રાત્રે ગામમાં કોમી અથડામણની માહિતી મળી હતી. વડોદરાના ડીએસપી બીએચ ચાવડાએ જણાવ્યું હતું કે શુક્રવારે, એક વરઘોડો એક મસ્જિદ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ચોક્કસ સમુદાયના સભ્યોએ વરઘોડા દરમિયાન ફટાકડા ફોડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે દલીલ થઈ હતી અને ટૂંક સમયમાં જ બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
વડોદરાના ડીએસપી બીએચ ચાવડાએ જણાવ્યું હતું કે તોફાનીઓએ કેટલાક વાહનોને સળગાવી દીધા હતા જ્યારે અન્યોએ તેમને નુકસાન પહોંચાડ્યું હતું. હિંસામાં કથિત રીતે સામેલ લોકો સામે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો તરફથી ક્રોસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના માટે જવાબદાર આરોપીઓ અને હિંસા કરનાર બદમાશોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. હાલમાં પોલીસે બે ડઝનથી વધુ લોકોની અટકાયત કરી છે.
તો બીજી તરફ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી બે પિસ્તોલ અને ચાર કારતૂસ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પોલીસે શનિવારે જણાવ્યું કે માહિતીના આધારે અમલિયારા જીઈબી પાસે રોડ પર આવી રહેલી એક કારને રોકીને તેની તલાશી લેવામાં આવી. આ દરમિયાન તેની પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ, ચાર કારતૂસ, બે મોબાઈલ ફોન, એક કાર અને રૂપિયા 3,000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા અને બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અંતર સિંહ (28) અને આશિફખાન પઠાણ (23) તરીકે થઈ છે, બંને મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના રહેવાસી છે.