શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (15:14 IST)

કોંગ્રેસની જેમ હવે ભાજપમાં પણ ટિકીટ માટે ભાઈ-ભત્રીજાનું દબાણ

ગુજરાતમાં આગામી દિવાળી બાદ યોજાનારી સાત ધારાસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપમાં અત્યારથી જ નામોની અટકળ શરુ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ હાલમાં સ્વાસ્થ્યના કારણોસર બે દિવસ ગુજરાત રોકાઈ ગયા ત્યારે પણ તેઓને મળવા માટે ટિકીટ વાંચ્છુઓએ લાઈન લગાવી દીધી હતી. વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા, મોરવાહડફ અને અમરાઈવાડી એમ સાત બેઠકોની ચૂંટણી યોજાવાની છે. થરાદ બેઠક પરના પક્ષના પુર્વ ધારાસભ્ય પરબત પટેલ લોકસભામાં જીતતા તેઓની બેઠક ખાલી પડી હતી. આવી જ સ્થિતિ અમરાઈવાડી બેઠકની છે જેના ધારાસભ્ય ત્રણ લોકસભામાં ચુંટાયા હતા અને તેથી તેઓએ રાજીનામુ આપ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત ધારાસભા ચૂંટણી હારી ચૂકેલા શંકર ચૌધરી હવે પેટાચૂંટણીથી ફરી વિધાનસભામાં પ્રવેશવા માટે તૈયારી કરી રહ્યા છે અને તેઓનો દાવો થરાદ બેઠક પર છે. જો કે આ બેઠક છોડતા સમયે પરબત પટેલે તેના દીકરા શૈલેષ પટેલને ધારાસભાની ટિકીટ અપાય તેવી માંગણી કરી હતી. જો કે ભાજપનું મવડીમંડળ આ પ્રકારે પિતા-પુત્રને સાચવે તેવી શકયતા નહીવત છે અને તેથી શંકર ચૌધરી માટે ચાન્સ સારા છે. જયારે રાધનપુરની બેઠકમાં અલ્પેશ ઠાકોરે ગઈકાલે જ સંકેત આપ્યોહતો કે તેમણે આ બેઠક લડવા ભાજપનું નિમંત્રણ છે અને તેથી તેઓ ફરી ધારાસભા ચૂંટણી લડશે. બાયડમાં જો કે ધારાસભામાંથી રાજીનામુ આપનાર ધવલસિંહ ઝાલાને ફરી ચૂંટણી લડાવાશે કે કેમ તે સસ્પેન્સ છે.

તેઓએ કઈ શરતે ધારાસભા અને કોંગ્રેસ છોડી છે તે બહાર આવ્યુ નથી પણ આ બેઠક પર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકીટ આપે તેવુ લોબીંગ શરુ થયુ છે. અગાઉ કોંગ્રેસ છોડનાર મહેન્દ્રસિંઘ વાઘેલાને 2017માં ભાજપે ટિકીટ આપી ન હતી અને લાંબા સમયથી તેઓ આ રાહમાં છે. હવે ધવલસિંહ માને તો જ મહેન્દ્રસિંહનો ચાન્સ લાગશે. પાટણ લોકસભા બેઠક જીતનાર ભરતસિંહ ડાભીની ખેરાલુ વિધાનસભા બેઠક પર પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ડાભી અને કનુભાઈ ડાભી ત્રણની દાવેદારી છે. ભાજપ અહી પણ ભાઈ-ભતીજાવાદનો સિદ્ધાંત લાગુ કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના જે.પી.પટેલ નિશ્ર્ચિત ગણાય છે.

મોરવાહડફમાં જો કે થોડી કાનૂની ગુંચ છે તેમ છતાં આ બેઠક ખાલી જાહેર થઈ ગઈ છે અને કોઈ અદાલતી સ્ટે નથી તેથી તેની ચૂંટણી યોજાશે તો તેમાં વિક્રમસિંહ ડીંડોર અને નિમીષાબેન સુથાર બે માંથી એકને ટિકીટ મળી શકે છે. અમદાવાદમાં અમરાઈવાડી બેઠક પર યુવા ભાજપના પ્રમુખ ઋત્વીક પટેલ, અમદાવાદના પુર્વ મેયર અસીત વોરા, સ્ટે.ના ચેરમેન અમુલ ભટ્ટ તથા સીનીયર નેતા પ્રવિણ દેસાઈ સ્પર્ધામાં છે. હવે આ બેઠક પર અમીત શાહ ઉમેદવાર પસંદ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી હાર્દીક પટેલ પણ અમરાઈવાડી બેઠક પર ચૂંટણી લડી શકે છે. બીજી તરફ અમુલ ભટ્ટએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના ગણાય છે અને આથી તેઓ માટે ચાન્સ હોવાનું મનાય છે.