ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 5 ઑક્ટોબર 2019 (16:40 IST)

આ વખતની પેટાચૂંટણીમાં ભાજપની આંતરિક લડાઈને લીધે ત્રણ સીટો પર આકરાં ચઢાણ

ગુજરાતમાં ૬ બેઠક પર પેટા ચુંટણી યોજાનાર છે જેમાં કેટલીક સીટ એવી છે જે ભાજપનો ગઢ છે તો કેટલીક સીટ પર ભાજપને નુકશાન થવાની શક્યતા રહેલી છે. રાજ્યની તમામ ૬ બેઠકની જો વાત કરીએ તો અમરાઈવાડી, ખેરાલુ અને થરાદ બેઠક જીતવા માટે ભાજપને વધારે જહેમત નહિ ઉઠાવવી પડે પરંતુ અન્ય ત્રણ બેઠક પર ભાજપ માટે જીતવું આંકરું સાબિત થાય તેવું લાગી રહ્યું છે. આમ તો ભાજપે તમામ સીટ જીતવા માટે જોર લગાવ્યું છે સરકાર અને સંગઠન બંનેમાંથી નેતાઓને જવાબદારી આપી જીત માટે મહેનત શરુ કરી છે, પરંતુ તમામ સીટ પર પરિણામ યોગ્ય મળે તેવું નહી હોવાનું ભાજપના જ નેતાઓ ચર્ચી રહ્યા છે.

૬ બેઠક પૈકીની અમરાઈવાડી થરાદ અને ખેરાલુ બેઠક ભાજપ આસાનીથી જીતી લેશે પરંતુ, લુણાવાડા બાયડ અને રાધનપુરમાં ભાજપને નુકશાન વેઠવું પડી શકે છે. લુણાવાડા બેઠક પર ભાજપે જીગ્નેશ સેવકને ટીકીટ આપી છે તે બ્રામણ છે પરંતુ સ્થાનિક બ્રાહ્મણ નેતાઓ જ આંતરિક રીતે તેની વિરુધ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.  બીજી તરફ મહીસાગર જીલ્લા પ્રમુખ જે પી પટેલે ટીકીટ માંગી હતી પરંતુ તેની ટીકીટ કાપી છે જેને લઈને પાટીદારો નારાજ છે. એનસીપીએ ભરત પટેલને ચુંટણી જંગમાં ઉતર્યા છે જેનો આમ તો ફાયદો ભાજપને થવાનો છે બીજી તરફ ભાજપને ઓબીસી એસસી અને એસટી મતદારોના મત ના મળે તેવી ભીતિ રહેલી છે કારણ કે કોંગ્રેસે ક્ષત્રીય ઉમેદવાર એટલે કે ગુલાબસિંહ ચૌહાણને ટીકીટ આપે છે જેથી જેના વોટનો સીધો ફાયદો કોંગ્રેસને રહે તેવી શક્યતા રહેલી છે. તો આ સિવાય બાયડ બેઠક પર એનસીપી ભાજપને નુકશાન કરાવી શકે છે.

સ્થાનિક સુત્રો કહી રહ્યા છે કે બાયડ સીટ પર ઠાકોર મતદારો વધારે છે પરંતુ એ ઠાકોર વોટમાં નુકશાન એનસીપી કરાવી શકે છે કારણ કે એ વિસ્તારમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહનો દબદબો વધારે છે અને તે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના વોટ તોડી શકે છે તો બીજી તરફ કોંગ્રેસે એ બેઠક પર પાટીદારને ટીકીટ આપી છે આમતો એ સીટ પર ૩૬ હજાર જેટલા પાટીદાર મતદારો છે પરંતુ એ સિવાયના સવર્ણ મતદારો પણ કોંગ્રેસ તરફી મતદાન કરે તેવું હાલમાં વાતાવરણ રહેલુ છે. આ સિવાય જો રાધનપુર બેઠકની વાત કરીએ તો એ બેઠક પર ભાજપે પક્ષ પલટુ અલ્પેશ ઠાકોરને જ ટીકીટ આપી છે. આ સીટ પર આમ તો ઠાકોર અને ચૌધરી મતદારોનું વર્ચસ્વ રહેલું છે પરંતુ એમાં પણ હાલમાં ભાજપને ડખ્ખા હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે રાધનપુરમાં ૩ ઠાકોર અને ૨ ચૌધરીએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે જેથી એ અપક્ષો ભાજપના વોટ તોડશે એ નક્કી છે જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. જો અમરાઈવાડી બેઠકની જો વાત કરીએ તો આમ તો આ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે પરંતુ જગદીશ પટેલની લીડ ઘટે તેવી પૂરી શક્યતા રહેલી છે. ભાજપના આંતરિક સુત્રો જ કહી રહ્યા છે કે આ ચુંટણી દરમિયાન ૨ જૂથ આમને સામને છે જેના કારણે જગદીશ પટેલની જીતની લીડ પર તેની અસર પડશે અને પ્રચાર દરમિયાન એક જૂથ નિષ્ક્રિય રહે તેવી પૂરી શક્યતા રહેલી છે. આમ અલગ અલગ બેઠક પર ભાજપ માટે ચેલેન્જ રહેલી છે જેમાંથી કેટલી સીટ પર ભાજપને જીત મેળવવામ સફળતા મળે છે એ જોવું રહ્યું.