1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (13:00 IST)

ગુજરાત પેટાચૂંટણી : જો પાર્ટી કહેશે તો રાધનપુર જઈ અલ્પેશ ઠાકોર સામે પ્રચાર કરીશ - હાર્દિક પટેલ

રોક્સી ગાગડેકર છારા
બીબીસી સંવાદદાતા
 
આજે અમિત શાહ ગુજરાતમાં છે અને નવરાત્રીની સાથે ચૂંટણીનો માહોલ જામવાની શરૂઆત થઈ રહી છે.
ગુજરાતની પેટાચૂંટણી જાહેર થયા પછી કૉંગ્રેસ અને ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને પહેલી વાર ભાજપ સામે પડકારની સ્થિતિ જોવા મળી હતી.
એ સમયે લોકોનો આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તેમની અસરને લઈને ચર્ચામાં રહ્યા હતા.
પછી સમય બદલાયો અને વિધાનસભામાં કૉંગ્રેસે ભાજપને જે લડત આપી હતી તે 2019ની લોકસભાની ચૂંટણીમાં દેખાઈ નહોતી.
લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો જીતી લીધી હતી અને કૉંગ્રેસને અમુક બેઠકો પર હરાવવાનું શ્રેય એક સમયે કૉંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોરે લીધું હતું.
હવે આ પેટાચૂંટણીઓથી કૉંગ્રેસથી ભાજપમાં ગયેલા અને ગુજરાતના યુવાનેતા તરીકે નામના મેળવનાર અલ્પેશ ઠાકોરનું ભાવિ નક્કી થશે.
રાધનપુરથી કૉંગ્રેસ પક્ષમાંથી જિતેલા અલ્પેશ ઠાકોર હવે આ જ સીટ પરથી કમળના નિશાન પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ પાટીદાર અનામતના લોકઆંદોલનથી રાજકારણમાં આવેલા હાર્દિક પટેલ હવે કૉંગ્રેસમાં છે.
હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના સ્ટારપ્રચારક હતા અને તેમણે જોશભેર પ્રવાસ અને પ્રચાર કર્યો હતો તેમ છતાં કૉંગ્રેસ લોકસભામાં સારો દેખાવ કરી શકી નહોતી.
 
ભાજપ અને કૉંગ્રેસની કેવી છે તૈયારી?
2017ની ચૂંટણી બાદ કૉંગ્રેસના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.
2019ની સામાન્ય ચૂંટણી સાથે જ આ ચાર સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ચારેય સીટ પર ભાજપની જીત થઈ હતી.
હાલમાં 182 સીટોની ગુજરાત વિધાનસભામાં 104 સીટો ભાજપ પાસે છે.
બાદમાં કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પણ કૉંગ્રેસ છોડી દીધી.
નિષ્ણાતોનું માનવું છે કે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસની પરિસ્થિતિ સારી નથી.
 
ભાજપ માને છે કે તે તમામ સાત સીટો ખૂબ સહેલાઈથી જીતી જશે, બીજી બાજુ કૉંગ્રેસ ઓછામાં ઓછી બે સીટ પર સરસાઈ માટે મથી રહી છે.
ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા બીબીસી ગુજરાતીને કહે છે કે, "અમારા કાર્યકર્તાઓ આ તમામ સીટો પર લોકોને મળવાનું શરૂ કરી દીધું છે."
"સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મિટિંગોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને અમે લોકોની વચ્ચે વિકાસની વાત લઈને જઈ રહ્યા છીએ."
ભાજપ વિકાસની સાથેસાથે આ પેટાચૂંટણીમાં કલમ 370 હઠાવાની સાથે રાષ્ટ્રીયતાની વાત પણ કરશે.
આ વિશે અલ્પેશ ઠાકોરે બીબીસી ગુજરાતીને કહ્યું, "જે કાશ્મીરનો મુદ્દો છેલ્લા ઘણા દાયકાઓથી કૉંગ્રેસથી હલ નથી થયો તેનો નિકાલ એક જ ઝાટકે થઈ ગયો છે."
"તો આવી વાત લઈને લોકો સુધી કેમ ન જઈએ? આ પેટાચૂંટણીમાં વિકાસની વાત તો થશે જ પણ તેની સાથે કાશ્મીર અને દેશસુરક્ષાના મુદ્દા પણ મહત્ત્વના રહેશે."
અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પોતાના કાર્યકરોના સંપર્કમાં લાગી ગયા છે.
 
અલ્પેશ ઠાકોર કહે છે, "અહીંયાં કાર્યકર્તાઓમાં જોશ છે અને તે તમામ દિવસ-રાત એક કરીને ભાજપને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે."
જોકે હજી સુધી પાર્ટીએ કઈ સીટ પરથી કોણ લડશે તેની ચોખવટ કરી નથી, પરંતુ અલ્પેશ ઠાકોર માને છે કે રાધનપુરથી તેમને પાર્ટીનો મૅન્ડેટ મળી જશે, અને તેઓ 50,000થી વધુની લીડથી ચૂંટણી જીતશે.
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાને પણ વિશ્વાસ છે કે તેઓને પાર્ટી બાયડ વિધાનસભાની ટિકિટ આપશે. તેઓએ પણ લોકસંપર્ક શરૂ કરી દીધો છે.
તેઓ કહે છે, "હું લોકોને મળી રહ્યો છું અને જનસંપર્કનું કામ ચાલુ જ છે. મારા વિસ્તારના લોકોની તમામ નાનીમોટી સમસ્યા હું સાંભળું છું અને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરું છું."
"એટલા માટે જ મને વિશ્વાસ છે કે હું જો ચૂંટણી લડીશ તો મોટી સરસાઈથી જીતીશ."
બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીમાંથી આ ચૂંટણી લડવા માટે ઘણા દાવેદારો સામે આવ્યા છે.
કૉંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાનોએ દરેક સીટ પર બે-બે દાવેદારોનાં નામ શોર્ટલિસ્ટ કરીને દિલ્હી હાઇકમાન્ડને મોકલી દીધાં છે.
કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કહે છે, "આ નામોને આધારે પાર્ટી હાઇકમાન્ડ ફાઇનલ નામો નક્કી કરશે."
ચૂંટણીના મુદ્દા અંગે વાત કરતાં મનીષ દોશી કહે છે, "કાશ્મીરમાં 370 હવે નથી. તેનાથી રાધનપુરના એક સામાન્ય પરિવારને કે જેને દવાની જરૂર છે, તેને શો ફરક પડે છે."
"કૉંગ્રેસ પાર્ટી ભાવનાત્મક મુદ્દા પર નહીં પર લોકોના સાચા મુદ્દા લઈને પ્રજા સમક્ષ જવાની છે."
તેઓ કહે છે કે એક તરફ જ્યારે આ ઇકૉનૉમિક સ્લોડાઉનમાં નાના વેપારીઓ, નાના ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે, ત્યારે તેનાથી મોટા મુદ્દા બીજા કોઈ હોઈ ન શકે.
 
ચૂંટણીમાં હાર્દિક પટેલની જવાબદારી શું?
આ ચૂંટણીમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એકબીજા સામે પ્રચારમાં જોવા મળે તો નવાઈ નહીં.
એક તરફ અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણીમેદાનમાં આવવાની તૈયારી કરી રહ્યા છે, બીજી બાજુ હાર્દિક પટેલ તેમની સામે પ્રચાર કરવા માટે તૈયાર છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું, "હજી સુધી પાર્ટી તરફથી કોઈ પ્લાન આવ્યો નથી, પરંતુ જો રાધનપુરમાં જઈને અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ ચૂંટણી માટે કામ કરવાનું આવશે તો હું બિલકુલ કરીશ."
તેમણે અગાઉ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં કૉંગ્રેસ માટે દેશભરમાં ઘણી જગ્યાએ પ્રચાર કર્યો હતો.
તેઓ વધુમાં કહે છે, "ભલે આ પેટાચૂંટણી હોય પણ લોકોના સવાલો તો એ જ છે કે તેમની રોજગારી ક્યાં છે, તેમને કેમ હજી સુધી માત્ર વાયદાઓ જ મળે છે."
તેમણે કહ્યું કે આ પેટાચૂંટણીમાં પણ તેઓ ભાજપને બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે સવાલો કરશે.
તેઓ વધુમાં કહે છે, "ભાજપના નેતાઓ કૉંગ્રેસ પાસેથી જવાબ માગે છે, પણ અહીંયાં ગુજરાતમાં જ તો છેલ્લાં 25 વર્ષથી ભાજપની સરકાર છે. તો હવે ગુજરાતના પ્રશ્નો માટે તો ભાજપને જવાબ આપવો જ પડશે."
 
આ પેટાચૂંટણીઓ મહત્ત્વની કેમ?
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતની આ પેટાચૂંટણી યાદગાર રહેશે. તેનું કારણ એક તરફી લડાઈ છે.
પોલિટિકલ ઑબ્ઝર્વર મનીષી જાની માને છે, "આ અગાઉ આવી ચૂંટણી કમસે કમ ગુજરાતમાં તો નથી જ થઈ, જેમાં વિરોધ પક્ષ બિલકુલ હરકતમાં ન હોય અને લાગતું હોય કે જાણે ચૂંટણી પહેલાં જ તેણે હાર સ્વીકારી લીધી હોય.
જાની કહે છે કે એક તરફ પૈસા, પાવર અને ચહેરાઓ છે જ્યારે બીજી બાજુ કૉંગ્રેસ પાસે લડવાની હિમ્મત પણ નથી, તો આવી ચૂંટણીમાં કોઈનેય કાંઈ રસ ન હોય.
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ માને છે, "આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસ એક હારેલી બાજી માટે લડી રહી છે તેવું લાગી રહ્યું છે."
"જો કોઈ જમીનનો નેતા કે કાર્યકર કાંઈ કરે તો જ કંઈક ફરક પડે, બાકી તો જે પ્રમાણેની કૉંગ્રેસની અને ભાજપની તૈયારીઓ છે તેમાં ભાજપ આ પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે તેમાં કોઈ બે મત નથી."
જોકે શાહ એ પણ માને છે કે આ પ્રકારની એકતરફી ચૂંટણીઓ આવનારા સમય માટે ખૂબ ખતરનાક છે. "આવી લોકશાહી ટકી જ ન શકે, જ્યાં વિરોધ પક્ષ વિરોધ કરવાની ક્ષમતા ન ધરાવતો હોય.